નવા સંસદ ભવનમાં ધ્વજવંદન સમારોહ દરમિયાન કેમ ગુસ્સે થયા અધીર રંજન ચૌધરી…

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ ભવન ખાતે આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર સહિત પાર્ટી અને વિપક્ષના કેટલાક નેતા ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ નેતાઓ સાથે મિડીયાએ વાત કરી હતી. પરંતુ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને કેટલાક સવાલથી ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે જો મારી જરૂર ના હોય તો કહો હું છોડીને જતો રહું.
જો કે વિપક્ષના ઘણા નેતાએ આ કર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેમાંથી કોઈએ ભાગ લીધો ન હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી અને કહ્યું હતું કે તેમને કાર્યક્રમનું આમંત્રણ મોડું મળ્યું હતું. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે તેમને આમંત્રણ આપવામાં ઘણો વિલંબ થયો હતો. ખડગેએ શનિવારે રાજ્યસભાના મહાસચિવને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ખડગેને 15 સપ્ટેમ્બરે મોડી સાંજે કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું અને તે સમયે હું 16-17 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા હૈદરાબાદમાં હતો અને રવિવારે રાત્રે દિલ્હી પરત ફરીશ.
મિડીયાને વિપક્ષમાંથી બીજા કોઇ નેતા ના મળતા તેમણે અધીર રંજન ચૌધરીને ઘેરી લીઘા હતા અને તેમને સવાલો કરવા લાગ્યા હતા અને તેમને પૂછયું કે તમારી પાર્ટીના બીજા નેતા કેમ નથી આવ્યા ત્યારે અધીર રંજન ચૌધરી મિડીયા પર ગુસ્સે થઇ ગયા હતા. અને કહ્યું હતું કે જો મારી જરૂર ના હોય તો કહો હું છોડીને જતો રહું. જે અહીં ઉપસ્થિત છે તેની પર ધ્યાન આપો ને, પહં અહીં છું એ પૂરતું નથી?
સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે નવા સંસદ ભવનમાં કેબિનેટ પ્રધાનોને રૂમ ફાળવવામાં આવ્યા છે. જે પ્રધાનોને રૂમ મળ્યા છે તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, અર્જુન મુંડા, વિદેશ પ્રધાન એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને અશ્વિની વૈષ્ણવનો સમાવેશ થાય છે.