ભારતીય શૅરબજારમાં રચાયો નવો ઇતિહાસ નિફટી નવી વિક્રમી ઊંચી સપાટીએ: ‘મુંબઈ સમાચાર’ની આગાહી સાચી ઠરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે નવો ઇતિહાસ રચાયો છે. આપણે મુંબઈ સમાચારની સોમવારની કોલમ ‘ફોરકસ્ટ’ના શિર્ષકમાં ટાંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી વટાવી ગયો છે. સવારના સત્રમાં જ નિફટી ૨૦,૨૮૨ પોઈન્ટ સુધી ઊછળ્યો હતો અને સેન્સેક્સ પણ ૬૭,૫૦૦ની સપાટી વટાવી ગયો હતો.
અપેક્ષાથી ઝડપી આર્થિક વિકાસદર, સારા કોર્પોરેટ પરિણામો અને એક્ઝિટ પોલના બજારને સાનુકૂળ જણાયેલા સંકેત વચ્ચે લેવાલીનો જોરદાર ટેકો મળતા બેન્ચમાર્કને આગળ વધવામાં ટેકો મળ્યો હતો. આ ઉપરાંત એકસામટા ચારેક આઇપીઓને પ્રાઇમરી માર્કેટમાં મળેલા જોરદાર પ્રતિસાદ અને જબ્બર પ્રીમિયમને કારણે પણ બજારનું માનસ તેજીમય રહ્યું હતું.
સત્રને અંતે સેન્સેક્સ ૪૯૨.૭૫ પોઈન્ટ વધીને ૬૭,૪૮૧.૧૯ પોઇન્ટની અને નિફ્ટી ૧૩૪.૭૦ પોઈન્ટ વધીને ૨૦,૨૬૭.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બેન્ચમાર્ક શેરઆંકોએે સળંગ ચોથા સત્રમાં આગેકૂચ જાળવી હતી, નિફ્ટીએ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ તેની અગાઉની
૨૦,૨૨૨.૪૫ની ટોચને વટાવી હતી. સપ્તાહ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી બેન્ચમાર્કમાં બે ટકાનો વધારો થયો છે.
ભારતનો જીડીપી વૃદ્ધિ દર તમામ અંદાજોને પાછળ છોડીને જુલાઈ-સપ્ટેમ્બર માટે ૭.૬ ટકા જાહેર થયો છે. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં આરબીઆઇ અને બ્લુમબર્ગ તથા રોઇટર કરતા ઊંચો આંકડો જાહેર થયો છે.