નવી દિલ્હી ‘સ્ટેમ્પેડ કેસ’: ડિવિઝનલ રેલવે મેનેજર સામે કાર્યવાહી, કરી નાખી ટ્રાન્સફર

નવી દિલ્હીઃ મહાકુંભ વખતે પાટનગર દિલ્હીના રેલવે સ્ટેશન પર નાસભાગમાં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત પછી આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા પછી પંદર દિવસ પછી દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ની ટ્રાન્સફર કરવાનો રેલવેએ નિર્ણય લીધો છે.
રેલવેના આદેશ પ્રમાણે દિલ્હીના ડીઆરએમ સુખવિંદર સિંહની અચાનક ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે ઉત્તર મધ્ય રેલવેના અધિકારી પુષ્પેશ આર ત્રિપાઠીને દિલ્હીના ડીઆરએમ તરીકે વરણી કરવામાં આવી છે. હાલના તબક્કે સુખવિંદર સિંહની નવી પોસ્ટિંગ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ઉપરાંત, ડીઆરએમની ટ્રાન્સફર અંગે રેલવેએ પણ કોઈ સત્તાવાર કોઈ કારણ આપ્યું નથી.
આ પણ વાંચો: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હીમાં થયેલી ‘ભાગદોડ’માં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્મતાના પંદર દિવસ પછી રેલવે ડિવિઝનલ મેનેજરની ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અકસ્માત પછી રેલવે પોલીસે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે પંદરમી ફેબ્રુઆરીના શનિવારની રાતના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ માટે પ્રયાગરાજ જનારી મહાકુંભ સ્પેશયલ ટ્રેનના પ્લેટફોર્મમાં કરેલા ફેરફારની જાહેરાત જવાબદાર હતી.
16 નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનની જાહેરાતથી ભાગદોડ
અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી ઝોનના વરિષ્ઠ અધિકારીઓએ રિપોર્ટમાં લખ્યું હતું કે શનિવારે રાતના 8.45 વાગ્યે જાહેરાત કરી હતી કે મહાકુંભ જનારી સ્પેશિયલ ટ્રેન બાર નંબર પરથી રવાના થશે, પરંતુ એના પછી કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે એવી જાહેરાત કરી હતી, પરિણામે પ્રવાસીઓમાં નાસભાગ થઈ હતી.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એ જ વખતે મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 અને ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર પંદર પર ઊભી હતી. 14 નંબરના પ્લેટફોર્મ પર પણ પ્રવાસીઓની ભીડ હતી, તેથી અવરજવરમાં જોરદાર કન્ફ્યુઝન ઊભું થયું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રેલવેની એનાઉન્સમેન્ટને કારણે પ્રવાસીઓ 12-13 અને 14-15 નંબરના ફૂટઓવર બ્રિજ (એફઓબી) બે-ત્રણ મારફત લોકો સીડી ચઢવાની કોશિશ કરવા લાગ્યા હતા.