બિયર ઈન્ડસ્ટ્રીમાં આવ્યું નવું સંકટ, સરકારની આવકમાં પડી શકે છે મોટો ફટકો, કારણ શું?

નવી દિલ્હી : દેશમાં બિયર ઉદ્યોગ વિચિત્ર સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં બિયર ભરવા માટે જરૂરી એવા એલ્યુમિનિયમ કેનની સતત અછત વર્તાઈ રહી છે. જેના પગલે બિયર ઉદ્યોગે સરકારને ઝડપથી તેના પુરવઠો મેળવવા માટે ગુણવત્તા માપદંડોમાં છુટ આપવાની માંગ કરી છે. બિયર ઉદ્યોગના એસોસિએશન બુઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના (BAI)જણાવ્યા અનુસાર ઉદ્યોગને 500 મિલીલીટરના કેનના 13 કરોડ યુનિટની દરવર્ષે અછત વર્તાય છે. જે દેશના કુલ બિયર વેચાણના કુલ 20 ટકાની આસપાસ છે. જેના લીધે સરકારી તિજોરીને અંદાજે 1300 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.
બીઆઈએસ પ્રમાણપણમાં વિલંબ
બિયર ઉદ્યોગનો સૌથી મોટો પ્રશ્ન બીઆઈએસ પ્રમાણપણમાં થતો વિલંબ છે. જેના લીધે વિદેશી વિક્રેતાઓ પાસેથી કેન આયાત કરી શકાતા નથી. આ અંગે એસોસિએશને સરકારને એક વર્ષ માટે ગુણવત્તા ધોરણો હળવા કરવા વિનંતી કરી છે. બુઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દેશના ત્રણ મુખ્ય બિયર ઉત્પાદકો, એબી ઇનબેવ, કાર્લ્સબર્ગ અને યુનાઇટેડ બ્રુઅરીઝનું પ્રતિનિધિત્વ કરે છે. આ ત્રણેય કંપનીઓ મળીને ભારતમાં વેચાતા 85 ટકા બિયરનો હિસ્સો ધરાવે છે.
બીએસઆઈ પ્રમાણપત્ર ફરજીયાત
ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2025 બાદ એલ્યુમીનીયમ કેન માટે બીએસઆઈ પ્રમાણપત્ર ફરજીયાત કરવામાં આવ્યું છે. જેના લીધે બિયર ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો માટે આંશિક સમસ્યા ઉભી થઈ છે. જયારે દેશની મુખ્ય એલ્યુમિનિયમ કેન સપ્લાયર્સ બોલ બેવરેજ પેકેજિંગ ઇન્ડિયા અને કેન-પેક ઇન્ડિયા ભારતમાં તેમની મહત્તમઉત્પાદન ક્ષમતા સુધી પહોંચી ગઈ છે. તેમજ 6 થી 12 મહિના સુધી પુરવઠો વધારી શકશે નહીં.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી: ભાજપે 3 ઉમેદવાર કર્યા જાહેર, મુસ્લિમ નેતાનો પણ સમાવેશ