“બેદરકારીના કારણે દર્દીના મૃત્યુના કેસમાં ડોક્ટરોની સજા ઘટશે”, અમિત શાહે બિલ પર બીજું શું કહ્યું?
નવી દિલ્હી: લોકસભામાં ગઈ કાલે બુધવારે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા બીલમાં સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આ બીલની એક જોગવાઈમાં ડોક્ટર્સને રાહત આપવામાં આવી છે. આ બીલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુના કિસ્સામાં જેલની સજામાં ઘટાડાની જોગવાઈ છે. આવા મૃત્યુંને હવે બિન ગુનાહિત હત્યા (non-culpable homicide) તરીકે ગણવામાં આવશે નહીં. હાલ આવા મૃત્યુંને બિન ગુનાહિત હત્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જૂના ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ બીલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, “હાલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થાય છે, તો તેને બિન ગુનાહિત હત્યા ગણવામાં આવે છે. પરંતુ હવે આમાંથી ડોક્ટરોને મુક્ત કરવા માટે સત્તાવાર સુધારો કરવામાં આવ્યો છે.”
અમિત શાહે કહ્યું હતું કે, આવા કેસમાં ડોકટરોની સજા ઘટાડવા માટે જોગવાઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એક પ્રતિનિધિમંડળે તેમને આ સંબંધમાં પત્ર લખ્યો હતો.
ગૃહ પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવેલા ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા બિલ મુજબ, તબીબી કાર્યવાહી કરતી વખતે જો કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને કારણે દર્દીનું મૃત્યુ થાય, તો તેને જેલની સજા કરવામાં આવશે. જો કે, આ સજા બે વર્ષ સુધી જ લંબાવી શકાય છે અને દંડ પણ લાદવામાં આવી શકે છે. અમિત શાહે આવા મામલામાં સજા ઘટાડવાની જોગવાઈ અંગે વાત કરી હતી.
એવી વ્યક્તિ જે નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 હેઠળ માન્યતા પ્રાપ્ત કોઈપણ તબીબી લાયકાત ધરાવે છે અને જેનું નામ નેશનલ મેડિકલ રજિસ્ટર અથવા સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં સમેલ છે, તેને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર માનવામાં આવે છે.