Tirupati મંદિરમાં નવો વિવાદ, ભક્તે કર્યો પ્રસાદમાં જીવાત હોવાનો દાવો, ટ્રસ્ટે દાવો ફગાવ્યો

તિરુપતિ : આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર મંદિરમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ આ દાવાને ફગાવી દીધો છે.
દહીં ભાતમાં એક કાનખજૂરો મળ્યો હતો
આ ઘટના અહેવાલ મુજબ ગત બુધવારે બપોરે 1:30 વાગ્યે બની હતી જ્યારે મંદિરમાં ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. એક ભક્તે દાવો કર્યો કે તેને તેના દહીં ભાતમાં એક કાનખજૂરો મળ્યો હતો. જોકે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ ભક્તના આ દાવાને ફગાવી દીધો છે. મંદિરના દર્શન કરવા વારંગલથી તિરુપતિ આવેલા ચંદુએ કહ્યું, ‘જ્યારે મેં કર્મચારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. તેમણે કહ્યું કે આવું ક્યારેક થાય છે. આ પછી તેણે પ્રસાદના ફોટો અને વીડિયો સાથે મંદિરના અધિકારીઓનો સંપર્ક કર્યો. તેઓએ પહેલા આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી અને બાદમાં તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચંદુએ કહ્યું, ‘મંદિરના અધિકારીઓએ મને કહ્યું કે પ્રસાદ પીરસવામાં ઉપયોગમાં લેવાતા પાંદડામાંથી જંતુ આવી શકે છે.’ પરંતુ ફરિયાદીનું કહેવું છે કે આ બેદરકારી અસ્વીકાર્ય છે. જો બાળકો કે અન્ય લોકો દૂષિત ખોરાક ખાય તો જવાબદાર કોણ? બીજી તરફ ટીટીડીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને આવા દાવાઓને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદિરમાં દરરોજ હજારો લોકો માટે તાજો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
ભગવાન વેંકટેશ્વર પ્રત્યેની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
ટીટીડીએ કહ્યું કે પ્રસાદ અંગેની ટિપ્પણીઓ ભક્તોને ભગવાન વેંકટેશ્વર પ્રત્યેની તેમની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ હોઈ શકે છે. તિરુપતિ પ્રસાદમાં જીવાત હોવાનો દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળને લઈને હોબાળો ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈની મદદથી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) લાડુમાં પશુઓની ચરબીના દાવાઓની તપાસ કરી રહી છે.
આ અંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં વાયએસ જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની સરકાર દરમિયાન તિરુપતિ મંદિર માટે લાડુ તૈયાર કરવામાં પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.