‘સુભાષબાબુ અંગ્રેજોના ડરથી ભાગેલા’ આ રાજ્યના પાઠ્યપુસ્તકમાં નેતાજીના વિવાદિત ઉલ્લેખથી રાજકારણ ગરમાયું

તિરુવનંતપૂરમ: શાળાના પાઠ્યપુસ્તકોને વિશ્વસનીય વાચનસામગ્રી માનવામાં આવે છે પરંતુ કેરળમાં ચોથા ધોરણની એક સ્કૂલની બુકના ડ્રાફ્ટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને એક વિવાદિત ભૂલ સામે આવતા વિવાદ થયો છે. આ બુકમાં લખવામાં આવ્યું હતું કે, નેતાજી અંગ્રેજોના ડરથી જર્મની ભાગી ગયા હતા, જેના પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સહિત અનેક સંગઠનોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને પેનલના જવાબદાર સભ્ય સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારે જવાબદાર સામે કરી કાર્યવાહી
આ અંગે મળતી વિગતો અનુસાર, કેરળ રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (SCERT)ના ધોરણ ચારના પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને વિવાદિત ઉલ્લેખના મુદ્દે વિવાદનું મંડાણ થયું હતું. આ બુકમાં લખવામાં આવ્યું હતું કે, નેતાજી અંગ્રેજોના ડરથી જર્મની ભાગી ગયા હતા, જેના પર ABVP સહિત અનેક સંગઠનોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. જો કે આ મુદ્દો સામે આવતા કેરલના સામાન્ય શિક્ષણ પ્રધાન વી. શિવનકુટ્ટીએ આ ભૂલને સ્વીકારીને તરત જ કાર્યવાહી કરી હતી. પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ભૂલ હતી, જેના માટે કેરળ રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (SCERT)નો એક સભ્ય જવાબદાર છે. શિવનકુટ્ટીએ કહ્યું કે, આ ભૂલ માટે જવાબદાર વ્યક્તિને ભવિષ્યમાં કોઈપણ શૈક્ષણિક કાર્યથી દૂર રાખવામાં આવશે.
ઇતિહાસ સાથે ચેડાં કરવાનો વામપંથીઓનો એજન્ડા
વી. શિવનકુટ્ટીએ આગળ કહ્યું કે, આ મામલાની જાણ થતા જ SCERTને તરત જ આ ભૂલ સુધારવા અને ચોક્કસ ઐતિહાસિક જાણકારી સાથે પુસ્તિકા ફરીથી પ્રકાશિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંશોધિત સંસ્કરણ હવે ઓફિશિયલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જો કે ABVPએ આ ઘટનાને ઇતિહાસ સાથે ચેડાં કરવાનો વામપંથીઓનો એજન્ડા ગણાવતા આરોપ લગાવ્યો હતો કે, CPI(M) હંમેશા આવું કરતું આવ્યું છે. તેમણે એ પણ દાવો કર્યો કે, કેટલીક બુક્સમાંથી ઝારખંડ અને આસામના નકશા હટાવી દેવામાં આવ્યા છે, જે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.
રાજ્ય સરકારનો દૃષ્ટિકોણ કેન્દ્ર જેવો નથી
વિદ્યાર્થી સંગઠનના આરોપોના જવાબમાં શિક્ષણ પ્રધાન શિવનકુટ્ટીએ કહ્યું કે, રાજ્ય સરકારનો દૃષ્ટિકોણ કેન્દ્ર સરકાર જેવો નથી, જે રાજકીય ઉદ્દેશ્યો માટે ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેમની સરકાર બાળકો સમક્ષ બંધારણીય લક્ષ્યોને અનુરૂપ યથાર્થવાદી ઐતિહાસિક તથ્યો રજૂ કરવાની નીતિનું પાલન કરે છે અને આમ કરતી રહેશે.