નવી દિલ્હી: નેતાજી સુભાષ ચંદ્ર બોઝને ‘દેશના પુત્ર’ જાહેર કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અમર છે અને તેમની મહાનતા બતાવવા માટે કોઈ કોર્ટના આદેશની જરૂર નથી. અરજીમાં કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસે દેશની આઝાદીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને ઓછું આંક્યું છે. તેમના ગુમ થવા/મૃત્યુ અંગેનું સત્ય છુપાવ્યું હતું.
કટકના રહેવાસી પિનાક પાની મોહંતીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ એ જાહેર કરે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજે બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી. તેમજ પિટિશનમાં કોંગ્રેસ પર દેશની આઝાદીમાં નેતાજીના યોગદાનને ઓછું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત, કોંગ્રેસે નેતાજીના ગુમ થવા/મૃત્યુને લગતી ફાઈલોને ગોપનીય રાખી હતી અને સત્ય જાહેર કર્યું ન હતું.
અરજીમાં એવી માંગણી પણ કરવામાં આવી છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23મી જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવે અને નેતાજીને પણ ‘દેશના પુત્ર’ જાહેર કરવામાં આવે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતી વખતે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ વિશે કોણ નથી જાણતું? આ દેશમાં દરેક વ્યક્તિ તેમના અને તેમના યોગદાન વિશે જાણે છે. તેમની મહાનતા દર્શાવવા માટે કોર્ટના આદેશની જરૂર નથી. તેમના જેવા નેતાઓ અમર છે. બેન્ચે કહ્યું કે તેઓ મહાન વ્યક્તિત્વ છે અને સમગ્ર દેશ તેમનું સન્માન કરે છે. તેમના જેવા નેતાને કોર્ટની કોઈ માન્યતાની જરૂર નથી.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં આવી જ એક PIL દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દિલ્હી અને તમામ રાજ્યોની રાજધાનીઓમાં નેતાજીના સન્માનમાં એક સ્મારક હોલ અને મ્યુઝિયમ બનાવવામાં આવે. આ અરજીને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તે દિવસે વધુ મહેનત કરવી જોઈએ, જેવી રીતે નેતાજીએ પોતે દેશની આઝાદી માટે સખત મહેનત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર કાર્યપાલિકાને છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ