
ગોવામાં ઓશોના સ્થાનક ખાતે મેડિટેશન માટે આવેલી નેપાળના મેયરની 36 વર્ષીય પુત્રી ગુમ થઇ હોવાની માહિતી મળી છે. નેપાળના સત્તાવાળાઓએ આ મામલે ગોવા પોલીસનો સંપર્ક કર્યો હતો. નેપાળના મેયરની પુત્રી આરતી હમાલ છે. આરતી ઓશો મેડિટેશનની અનુયાયી છે જે છેલ્લા કેટલાક મહિનાઓથી ગોવામાં રહી હતી અને સોમવારે રાત્રે છેલ્લીવાર જોવા મળી હતી.
સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે અશ્વેમ બ્રિજની નજીકમાં આરતી છેલ્લે જોવા મળી હતી. સવાર સુધી તે હોટેલ રૂમમાં પરત નહીં ફરતા હોટેલના સ્ટાફે આરતીના મિત્રને જાણ કરી હતી. આરતી છેલ્લા કેટલાક મહિનાઓથી ઓશો મેડિટેશન સેન્ટર સાથે સંકળાયેલી હતી. આરતીના મિત્રએ તેના ગુમ થવા અંગે પરિવારને જાણ કરી હતી.
આરતીના પિતા અને મેયર ગોપાલ હમાલે સોશિયલ મીડિયા પર તેમની પુત્રીને શોધવામાં મદદ કરવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ તેમની નાની પુત્રી આરઝૂ અને જમાઈને ગુમ થયેલી પુત્રીની ભાળ મેળવવા ગોવા મોકલ્યા છે. દરમિયાન, ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાયા બાદ ગોવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.