ચૂંટણી પહેલાં લોકોના દિલ જીતવા જરૂરી: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાંની આગામી ચૂંટણીની પહેલાં જનતાના દિલ જીતવા જરૂરી છે. દેશના ત્રણ રાજ્યમાં ભાજપનો થયેલો ભવ્ય વિજય ‘મોદીની ગેરન્ટી’ને આભારી છે. વિપક્ષો મતદારોને ખોટા વચન આપીને કંઇ મેળવી નહિ શકે.
તેમણે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓની સાથે વાત કર્યા બાદ જણાવ્યું હતું કે મતદારોની હોશિયારીને ઓછી આંકવી ન જોઇએ. આપણી સરકાર ‘મા-બાપ’ સરકાર નથી, પરંતુ એક બાળક પોતાના વૃદ્ધ માતા-પિતાનું જે રીતે ધ્યાન રાખે છે, તે રીતે જનતાની સેવા કરવામાં માને છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ અને સમાજના નબળા
વર્ગના લોકોની સેવા કરવા ખાસ ધ્યાન આપી રહી છે. મારા માટે દરેક ગરીબ ‘વીઆઇપી’ છે, દરેક માતા, દીકરી, બહેન ‘વીઆઇપી’ છે. દરેક ખેડૂત અને દરેક યુવાન પણ ‘વીઆઇપી’ છે.
તેમણે સલાહ આપી હતી કે ચૂંટણી સોશિયલ મીડિયા દ્વારા નહિ, પણ જનતાની પાસે જઇને તેઓની સમસ્યા સમજીને ઉકેલવાથી જીતાય છે. હાલના અમુક વિપક્ષો જ્યારે સત્તા પર હતા ત્યારે તેઓએ પોતાના રાજકીય સ્વાર્થને સાધવા જનતાને ખોટા વચન, ખોટી બાંયધરી આપી હતી. જો પચાસ વર્ષ પહેલાં તેઓ પ્રમાણિકતાથી કામ કરતા હોત તો જનતાના મોટા ભાગના સ્વપ્ન સાકાર કરી શક્યા હોત.
સરકારની વિવિધ યોજના અંગે જનતામાં જાગૃતિ લાવવા અને લાભાર્થીઓને નિર્ધારિત સમયમાં સીધો લાભ પહોંચાડવા માટે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે.
મોદીએ જણાવ્યું હતું કે આ યાત્રાનાં વાહનો જેમ જેમ લોકો સુધી પહોંચી રહ્યાં છે, તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ‘મોદીની ગેરન્ટીનું વાહન’ સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યું છે અને વધુ એક લાખ લોકોને રાંધણગૅસના નિ:શુલ્ક જોડાણ અપાયા છે. (એજન્સી)