વિધાનસભાની ચૂંટણી જીતવા અસરકારક વ્યૂહરચનાની આવશ્યકતા: ખડગે
નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજય મેળવવા શિસ્ત, સંકલન અને એકતા જાળવવા કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે પક્ષના કાર્યકરોને કહ્યું હતું. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની (સીડીબ્લ્યુસી)ની બેઠકમાં ખડગેએ રાષ્ટ્રવ્યાપી જાતિ ગણના કરવાની માગણી ઉઠાવી હતી. જનકલ્યાણ યોજનાઓમાં યોગ્ય હિસ્સા માટે સમાજના નબળા વર્ગ અંગેના સામાજિક-આર્થિક વિગતો ઉપલબ્ધ હોવી જરૂરી છે તેવું તેમણે કહ્યું હતું. ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં સત્તા મળે તો લોકસભાની અને રાજ્યોની વિધાનસભામાં મહિલા અનામતનો અમલ કરવામાં આવશે તેવું ખડગેએ કહ્યું હતું.
ભાજપ સરકારની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડવા વધુ પ્રયત્નો કરવા જોઈએ તેવું ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું. “આપણા દેશ સામે મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્ર્નો છે અને સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)નો અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારની ભાગલા પાડોની નીતિ અને સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ લોકતંત્રની સ્થિરતા સામે જોખમ છે. તેવું કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું.
“ચૂંટણી થવાની છે તેવા રાજ્યોમાં વડા પ્રધાન વારંવાર જતા હોય છે ત્યારે મણિપુર જતા નથી તે આશ્ર્ચર્યજનક છે. કૉંગ્રેસ પક્ષ અંગેના જૂઠ્ઠાણાં ધરાવતા વડા પ્રધાનના આક્ષેપો વધતા જશે આથી આવી જૂઠ્ઠાણાંઓનો જવાબ આપવાની આવશ્યકતા છે.
ખડગેની અધ્યક્ષતામાં સીડબ્લ્યુસીની પ્રથમ બેઠક ૧૬મી સપ્ટેમ્બરે યોજાઈ હતી અને સોમવારે બીજી બેઠક યોજાઈ હતી.