2014 પછી આતંકવાદ સામે લડવાની ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ છે? વિદેશ પ્રધાને ગણાવી સિદ્ધિઓ
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને હાલનો માર્ગ જ આ આતંકવાદનો સામનો કરવાનો સાચો માર્ગ છે. જયશંકરે અહીં ‘વાય ઈન્ડિયા મેટર્સઃ ઓપોર્ચ્યુનિટીઝ ફોર યુથ એન્ડ પાર્ટિસિપેશન ઇન ધ ગ્લોબલ સિનેરીયો’ કાર્યક્રમમાં યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એવા કયા દેશો છે કે જેની સાથે ભારતને સંબંધો જાળવવામાં મુશ્કેલી પડે છે, તો તેમણે એક શબ્દમાં કહ્યું હતું કે પાકિસ્તાન. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 1947માં પાકિસ્તાને આક્રમણકારોને કાશ્મીરમાં મોકલ્યા અને સેના તેમની સામે લડી અને જીતી. બાદમાં રાજ્યનું એકીકરણ થયું. વિદેશ પ્રધાને કહ્યું કે, ‘જ્યારે ભારતીય સેના તેની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે આપણા રાજકીય નેતાઓએ તેમને રોકી દીધા અને સંયુક્ત રાષ્ટ્રમાં ગયા. એ સમયે આપણે આતંકવાદને બદલે માત્ર આક્રમણકારોના કૃત્યોનો ઉલ્લેખ કર્યો. જો આપણું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ હોત કે પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે, તો આપણી નીતિ સંપૂર્ણપણે અલગ હોત. તેમણે કહ્યું હતું કે આતંકવાદ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે.
તેમણે દાવો કર્યો હતો કે ભારતે 1962ના યુદ્ધમાંથી પાઠ શીખવો જોઇતો હતો, પરંતુ 2014 સુધી સરહદી માળખાના વિકાસમાં કોઈ પ્રગતિ થઈ નહોતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ચીન સાથેની સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ભારતના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ચીન સાથેની સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ 3,500 કરોડ રૂપિયા હતું પરંતુ આજે તે 14,500 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે 1957 થી 1962 સુધી જ્યારે ચીન રસ્તાઓ બનાવી રહ્યા હતા અને યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભારત સરકાર એ વિચારવામાં વ્યસ્ત હતી કે ભારત એક બિન-જોડાણયુક્ત દેશ છે અને ચીન એક બિન-પશ્ચિમ દેશ છે અને બંને દેશો વચ્ચે વૈચારિક સંબંધો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની સરહદ પર નવી ટનલ, રસ્તા અને પુલ બનાવવામાં આવ્યા છે. વિદેશ પ્રધાને કહ્યું કે સેલા ટનલ 1962માં જે વિસ્તારમાં ચીન પહોંચી ગયું હતું ત્યાં બનાવવામાં આવી છે.