NDAનો ‘ભવ્ય’ વિજય, પણ વોટ શેરમાં RJD ‘નંબર વન’: બિહારમાં RJDના વિજયનું ‘ગણિત’ ક્યાં ખોટું પડ્યું?

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની જોરદાર સુનામી જોવા મળી છે, જેના પરિણામે રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સમેટાઈ ગયું છે, જેમાં RJDના ફાળે માત્ર 25 બેઠકો આવી છે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP), જનતા દળ યુનાઇટેડ (JDU) અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના શાનદાર પ્રદર્શને NDAને 202 બેઠકો સાથે ભવ્ય વિજય અપાવ્યો છે. જોકે, આ કારમી હાર છતાં, RJD બે મુખ્ય મામલાઓમાં બિહારની નંબર વન પાર્ટી બનીને ઊભરી આવી છે.
બિહાર ચૂંટણીના પરિણામોના વિશ્લેષણમાં વોટ શેરની દ્રષ્ટિએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) સૌથી આગળ રહી છે. સૌથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારવાના કારણે RJDને કુલ 23 ટકા વોટ શેર મળ્યો છે. આ આંકડા સાથે RJD રાજ્યમાં સૌથી વધુ મતદારોની પસંદગી બની છે. જોકે, ભાજપ આ મામલામાં RJD કરતાં લગભગ 3 ટકા પાછળ રહી છે, જેને 20.08 ટકા વોટ મળ્યા છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU, 85 બેઠકો જીતવા છતાં, 19.25 ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાને છે. આ જ ગઠબંધનની અન્ય મુખ્ય પાર્ટી કોંગ્રેસને માત્ર 8.71 ટકા મતદારોએ પસંદ કરી હતી. આ આંકડા દર્શાવે છે કે RJDને વિશાળ જનસમર્થન મળ્યું હતું, પરંતુ તે બેઠકોમાં રૂપાંતરિત થઈ શક્યું ન હતું.
પાર્ટીઓને મળેલા કુલ મતોની સંખ્યાની દ્રષ્ટિએ પણ RJD સૌથી આગળ છે. પોસ્ટલ બેલેટ અને EVMમાં કુલ 1 કરોડ 15 લાખ 46 હજાર 55 મતદારોએ RJDના ચૂંટણી ચિહ્ન ‘લાલટેન’ પર બટન દબાવ્યું હતું, જે કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે. આની સરખામણીમાં, ભાજપને RJD કરતાં લગભગ 15 લાખ ઓછા મતો મળ્યા છે.
ભાજપને કુલ 1 કરોડ 81 હજાર 143 વોટ મળ્યા છે. જોકે, આ ઓછા વોટ શેર હોવા છતાં ભાજપ 89 બેઠકો જીતવામાં સફળ રહી, જ્યારે RJD માત્ર 25 બેઠકો પર અટકી ગઈ. JDUને 96 લાખ 67 હજાર 118 મત મળ્યા, જેનાથી તે 85 બેઠકો જીતી શકી. આ આંકડા ચૂંટણીના પરિણામોની એક રસપ્રદ વાસ્તવિકતા દર્શાવે છે કે, બિહારમાં વિપક્ષને મળેલું વિશાળ વોટબેંક વોટના વિભાજન અને બેઠકોના યોગ્ય રૂપાંતરણના અભાવે NDAના વિજયમાં પરિણમ્યું છે.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…



