…આ કારણે ભાજપના સાંસદો એક કલાક સંસદમાં ઊભા રહ્યા
નવી દિલ્હીઃ તૃણમુલ કૉંગ્રેસના સાંસદે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરતા સર્જાયેલા વિવાદ વચ્ચે ભાજપ સહિત NDAના તમામ રાજ્યસભા સાંસદોએ ઘટનાનો અનોખો વિરોધ કર્યો હતો. એનડીએના 109 સભ્ય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના સન્માનમાં એક કલાક સુધી ગૃહમાં ઊભા રહ્યા હતા. સંસદ સંકુલમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ ઉપરાષ્ટ્રપતિની નકલ કરતા એક વીડિયોએ ભારે વિવાદ સર્જ્યો છે.
સંસદની સુરક્ષા ભંગ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરવા બદલ ગયા અઠવાડિયે બેનરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે, નવા સંસદ ભવનના મકર ગેટ પાસે વિરોધ દરમિયાન, સેરામપુરના સાંસદે ઉપરાષ્ટ્રપતિની નકલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અન્ય સાંસદો હસતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આનો વીડિયો બનાવ્યો હતો.
આ વીડિયો બાદ વિવાદો સર્જાયા હતા અને આજે બેનરજીએ દિલગીરી પણ વ્યક્ત કરી હતી. આ દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તૃણમૂલ સાંસદની નકલ કરવા બદલ ટીકા કરી હતી. જગદીપ ધનખરે કહ્યું હતું કે આ શરમજનક, હાસ્યાસ્પદ, અસ્વીકાર્ય છે કે એક સાંસદ મજાક કરી રહ્યો છે અને બીજો સાંસદ આ ઘટનાની વીડિયોગ્રાફી કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાને કમનસીબ ગણાવી હતી.
આ ઘટનાના વિરોધમાં હવે એનડીએના તમામ સાંસદો ઉપરાષ્ટ્રપતિના સન્માનમાં એક કલાક સુધી ઉભા રહ્યા હતા. સંસદમાંથી 141 સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ-છ દિવસથી દેશનો રાજકીય માહોલ ગરમાયેલો છે.