‘ગમે ત્યાં, ગમે તેમ ન બોલો!’ વડાપ્રધાન મોદીની NDA નેતાઓને કડક ચેતવણી…

નવી દિલ્હી: તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી(BJP)ના કેટલાક નેતાઓએ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વાંધાજનક નિવેદનો આપી વિવાદ ઉભો કર્યો હતો, જેણે કારણે પાર્ટીની છબીને નુકશાન પહોંચ્યું હતું. આજે રવિવારે દિલ્હીમાં યોજાયેલી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ના નેતાઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓને જાહેર નિવેદનોમાં સંયમ જાળવવાની સલાહ આપી હતી.

સુશાસન પર કેન્દ્રિત આ બેઠકમાં NDA શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોએ હાજરી આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાને બેઠક દરમિયાન નેતાઓ દ્વારા કરવામાં આવતા બિનજરૂરી નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને અવિચારી ટિપ્પણીઓ ન કરવા સલાહ આપી હતી. અહેવાલ મુજબ વડાપ્રધાન પ્રધાને શિસ્તબદ્ધ વાતચીતની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું, “ગમે ત્યાં, ગમે એ બોલવાનું ટાળો.” અહેવાલ મુજબ તાજેતરમાં મધ્યપ્રદેશ અને હરિયાણાના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને પગલે વડાપ્રધાને આ સલાહ આપી હતી.
ભાજપના નેતાનો બફાટ:
નોંધનીય છે કે તાજેતરમાં હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરા(Ram Chander Jangra)એ પહલગામ આતંકવાદી હુમલા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પહેલગામમાં મહિલાઓએ આતંકવાદીઓ સામે લડવું જોઈતું હતું. તેમણે કહ્યું,”ત્યાં (પહલગામમાં) આપણી વીરાંગનાઓ બેઠી હતી, જેમના સિંદૂર છીનવાઈ ગયા હતા, તેમનામાં બહાદુર સ્ત્રી જેવો જુસ્સો નહોતો, ઉત્સાહ નહોતો.” આ પહેલા મધ્યપ્રદેશના પ્રધાન કુંવર વિજય શાહ (Kuwar Vijay Shah) દ્વારા કર્નલ સોફિયા કુરેશી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાબતે ઘણો હોબાળો થયો હતો.
એક સરકારી કાર્યક્રમમાં બોલતા વિજય શાહે કહ્યું કે, “વડા પ્રધાને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે તેમની જ બહેન મોકલી હતી.” ભાજપના નેતાઓના આ નિવેદનોની વિપક્ષે આકરી ટીકા કરી હતી. કોંગ્રેસે આ ટિપ્પણીઓને શરમજનક ગણાવી અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ નેતાઓ અને ભાજપની ટીકા કરવામ આવી હતી.