નવી દિલ્હીઃ G20 સમિટ 2023 દરમિયાન દેશનું નામ બદલવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ‘I.N.D.I.A’ ને બદલે હવે ‘ભારત’ લખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. G20ના આમંત્રણમાં રાષ્ટ્રપતિએ ‘ઇન્ડિયા’ને બદલે ભારત લખ્યું હતું. ત્યારબાદ G20 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ ‘ભારત’ લખવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે દેશનું નામ ઓફિશિયલી હવે ભારત કરવામાં આવશે. જોકે, આવું કંઈ થયું નહોતું. હવે શાળાના પુસ્તકોમાં દેશનું નામ બદલવાની ભલામણ કરવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ઉચ્ચ સ્તરીય સમિતિએ આની ભલામણ કરી છે.
કમિટીના અધ્યક્ષ સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે શાળાના પાઠ્યપુસ્તકોમાંથી ઇન્ડિયા નામ હટાવીને ‘ભારત’ કરવું જોઈએ. તેમણે અભ્યાસક્રમમાંથી પ્રાચીન ઇતિહાસ કાઢી એની જગ્યાએ ક્લાસિકલ ઇતિહાસ ભણાવવાની ભલામણ પણ કરી હતી.
આઇઝેકે જણાવ્યું હતું કે અંગ્રેજોએ India નામ આપ્યું હતું. દેશનું પ્રાચીન નામ ભારત હતું. ભારત યુગો જૂનું નામ છે. ભારત નામ તો વિષ્ણુ પુરાણ જેવા 7,000 વર્ષ જૂના પ્રાચીન ગ્રંથમાં પણ જોવા મળે છે. India નામ સાત સભ્યોની સમિતિએ એકમતે ભલામણ કરી છે કે દરેક વર્ગના પાઠ્ય પુસ્તકોમાં India ને બદલે ભારત નામનો વપરાશ કરવામાં આવે. G20 સમિટ દરમિયાન પ્રથમ વખત ભારતનું નામ સત્તાવાર રીતે લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપેલા રાત્રિભોજનના આમંત્રણમાં ‘ભારતના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું હતું. આ અંગે વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ G20 પ્લેટફોર્મ પરથી PM મોદીની નેમપ્લેટ પર પણ ‘ભારત’ લખેલું જોવા મળ્યું હતું.
અંગ્રેજોએ ભારતીય ઈતિહાસને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યો હતો- પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તેમાં ભારતને અંધકારમય દેખાડવામાં આવ્યું હતું. તેમાં આર્યભટ્ટ જેવી ભારતની સિદ્ધિઓ જણાવવામાં નહોતી આવી, એમ જણાવતા આઇઝેકે ઉમેર્યું હતું કે ભારતીય ઇતિહાસને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક કાળ સાથે સ્કૂલોમાં ભણાવવામાં આવવો જોઇએ.
સમિતિએ હિંદુ વિજયોને હાઇ લાઇટ કરવાની પણ ભલામણ કરી છે. આઇઝેક ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ (ICHR)ના સભ્ય પણ છે. આ ઉપરાંત સમિતિએ દરેક વિષયોના પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાનપ્રણાલી (Indian Knowledge System-IKS)ને સામેલ કરવાની પણ ભલામણ કરી છે.
Taboola Feed