NCBએ તમિલનાડુના DMK નેતા અને ફિલ્મ પ્રોડ્યુસરની ડ્રગ્સ રેકેટ કેસમાં ધરપકડ
નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના પૂર્વ નેતા અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર જાફર સાદિકની 2,000 કરોડ રૂપિયાના ડ્રગ હેરફેરના રેકેટના સંબંધમાં ધરપકડ કરી છે. NCBએ આ ડ્રગ્સ રેકેટના અંગે ગયા મહિને પર્દાફાશ કર્યો હતો.
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે સાદિકની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે “તે ભારત-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ડ્રગ હેરફેર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ છે.”
NCB અધિકારીઓએ જણાવ્યું હતું કે સાદિક એક અગ્રણી મૂવી નિર્માતા છે જેણે ચારથી વધુ ફિલ્મો પ્રોડયુસ અથવા કો પ્રોડયુસ કરી છે. તેની પાંચમી ફિલ્મ આ મહિનાના અંતમાં રિલીઝ થવાની છે.
NCBના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તેની પ્રોડક્શન કંપનીમાં ડ્રગના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા છીએ. એવી શંકા છે કે તેની પ્રોડક્શન કંપની મની લોન્ડર કરવા માટે મોરચો હતો. તે છેલ્લા બે અઠવાડિયાથી ફરાર હતો.”
છેલ્લા બે અઠવાડિયાથી તમિલનાડુમાં વિરોધ પક્ષો ડ્રગ્સ રેકેટમાં જાફરની કથિત સંડોવણી અંગે વિરોધ કરી રહ્યા હતા.
અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના મહાસચિવ અને વિપક્ષના નેતા એડાપ્પડી કે પલાનીસ્વામીએ મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને જવાબ આપવા માંગ કરી હતી કે પક્ષના નેતા કેવી રીતે ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઈન્ડ હોઈ શકે છે.