નાયબ સૈની બન્યા ભાજપ વિધાયક દળના નેતા, બીજી વખત હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે લેશે શપથ
ચંડીગઢઃ હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં, નાયબ સિંહ સૈનીને ભાજપ વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને ભાજપનો સીએમ ચહેરો જાહેર કર્યા હતા. હવે 17 ઓક્ટોબરે નાયબ સિંહ સૈની પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બીજી વખત હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.
મળતી માહિતી મુજબ અમિત શાહ અને મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવની હાજરીમાં ભાજપના વિધાયક દળની બેઠક યોજાઇ હતી. આ સમયે વિધાન સભ્ય અનિલ વિજે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તમામ વિધાન સભ્યોએ સમર્થન આપ્યું હતું અને નાયબ સિંહ સૈનીને સર્વાનુમતે વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે નાયબ સિંહ સૈનીના નામને લઇને ભાજપમાં કેટલાક વિવાદ હોવાની ચર્ચા હતી. અનિલ વિજ અને રાવ ઇન્દ્રજીત સિંહની નારાજગીના પણ સમાચાર હતા, જેના કારણે અમિત શાહે મધ્યસ્થી કરવી પડી હતી અને તેમણે વિધાયક દળની કમાન સંભાળી હતી.
રસપ્રદ વાત તો એ છે કે હરિયાણાના સીએમ બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા દિગ્ગજ નેતા અનિલ વિજે જ કૃષ્ણા બેદી સાથે મળીને વિધાયક દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સૈનીએ જણાવ્યું હતું કે હરિયાણાના લોકોએ પીએમ મોદીની નીતિઓને મંજૂરી આપી છે અને તેઓ આજે જ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
આ પણ વાંચો :Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ
દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો છે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ તે પોકળ પુરવાર થયો હતો. માત્ર હરિયાણા જ 24 પાકને MSP પર વેચે છે. તેમણે નાયબ સિંહ સૈનીને ફરીથી વિધાયક દળના નેતા ચૂંટવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી.