નેશનલ

માઓવાદી વિચારધારાથી નિરાશાઃ ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિનું આત્મસમર્પણ

ધમતરીઃ છત્તીસગઢના ધમતરી જિલ્લામાં ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિએ સુરક્ષા બળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આપી હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર ટિકેશ્વર વટ્ટી ઉર્ફે ટિકેશ(૩૮) અને તેની પત્ની ગણેશી નેતામ ઉર્ફે પ્રમિલા(૩૨)એ શનિવારે આત્મસમર્પણ કર્યું હતું. તેણે કહ્યું કે તેઓ ખોખલી અને અમાનવીય માઓવાદી વિચારધારાથી નિરાશ હતા. તેણે જણાવ્યું કે ટિકેશ પ્રતિબંધિત માઓવાદીના ગોબરા સ્થાનિક સંગઠન ટુકડી અને શહેર વિસ્તાર સમિતિનો સભ્ય હતો, જ્યારે પ્રમિલા સીતાનદી વિસ્તાર સમિતિની સભ્ય હતી. તેમણે જણાવ્યું કે દંપતિ પર ૫-૫ લાખ રૂપિયાનું ઇનામ હતું.

આ પણ વાંચો: નક્સલીઓએ ઝારખંડમાં કર્યો IED Blast, જવાન ઇજાગ્રસ્ત

અધિકારીએ જણાવ્યું કે ટિકેશ ૨૦૦૯માં સીતાનદી વિસ્તાર સમિતિના સભ્ય તરીકે સંગઠનમાં જોડાયો હતો અને તે હત્યા, હત્યાનો પ્રયાસ અને અથડામણોમાં સામેલ હતો. જેમાં ૨૦૧૩માં ધમતરીના ખલ્લારી મંદિર પાસે થયેલી અથડામણ પણ સામેલ છે, જેમાં એક સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો.

પ્રમિલા ૨૦૦૯માં માઓવાદી સંગઠનમાં સંઘમ સભ્ય તરીકે જોડાઇ હતી. તેમણે જણાવ્યું કે તે ધમતરી, ગરિયાબંદ અને કાંકેર જિલ્લામાં હિંસાની ૧૪ ઘટનાઓમાં સામેલ હતી. જેમાં એક પોલીસ દળ સાથે અથડામણનો સમાવેશ થાય છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન

અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ દંપતિને ૨૫,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા છે અને સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિ અનુસાર તેમનું પુનર્વસન કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button