છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો આતંક: ક્રૂરતાથી કરી બે જણની હત્યા
બીજાપુર (છત્તીસગઢ): છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સંદિગ્ધ નક્સલીઓએ બે ગ્રામીણોના ગળા કાપીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના તર્રેમ પોલીસ સ્ટેશન હેઠળના બુડગીચેરુ ગામમાં બે વ્યક્તિઓ કારમ રાજુ (32) અને માડવી મુન્ના (27)ની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી દીધી હતી.
તેમણે કહ્યું કે પોલીસને માહિતી મળી કે સોમવારે રાત્રે નક્સલવાદીઓ ગામમાં પહોંચ્યા અને બંને ગ્રામજનોનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોને ગામમાં રવાના કરવામાં આવ્યા છે.
આ પહેલા 26 જાન્યુઆરીએ બીજાપુરના ભૈરમગઢ વિસ્તારમાં નક્સલવાદીઓએ 41 વર્ષના એક યુવકની હત્યા કરી નાખી હતી. નક્સલવાદીઓએ તેના પર પોલીસનો બાતમીદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : Chhattisgarh માં સુરક્ષા દળોએ મોટા નક્સલી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું
16 જાન્યુઆરીના રોજ બીજાપુરના મિરતુર વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં 48 વર્ષના એક વ્યક્તિની પણ હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે બીજાપુર સહિત સાત જિલ્લાના બસ્તર ક્ષેત્રમાં નક્સલી હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં 68 નાગરિકોના મોત થયા હતા.