નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર | મુંબઈ સમાચાર
નેશનલ

નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે, એમ પ્રસારમાધ્યમના સોમવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
266 બેઠકની લોકસભામાં પીએમએલ-એન 75 બેઠક ધરાવે છે. 75 બેઠક સાથે પીએમએલ-એન સૌથી મોટો પક્ષ છે. જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રદાન અને તહેરિકે ઈન્સાફના વડા ઈમરાન ખાન સ્વતંત્ર પક્ષની બેઠકો સહિત કુલ 101 બેઠક ધરાવે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી
(પીપીપી) 54, એમક્યુએમ 15 અને અન્ય નાના પક્ષો 27 બેઠક સાથે ત્યાર પછીના સ્થાને છે.
લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોવાનું ભારપૂર્વક જણાવતાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન આઝમ નઝીરે કહ્યું હતું કે આ બાબત દર્શાવે છે કે ચૂંટણી યોગ્ય અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ હતી.
લાહોરના જાટી ઉમરા ખાતે પક્ષના ટોચના નેતાઓ સાથે યોજાયેલી બેઠક બાદ પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં નવાઝ શરીફે કહ્યું હતું કે બેઠકમાં ભાવિ પગલાં અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
કેન્દ્રમાં એકજૂટ સરકારની રચના કરવા અમે અમારા જૂના ભાગીદારો સાથે વાટાઘાટ કરવાનું શરૂ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના હિતમાં તમામ પક્ષોએ સાથે મળીને ભાગીદારીયુકત સંયુક્ત મોરચા સરકાર રચવા પીએમએલ-એન સાથે જોડાવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
પીએમએલ-એનના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રારંભિક ફોર્મ્યુલા મુજબ નવી ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારમાં પીએમએલ-એનને વડા પ્રધાનપદ, પીપીપીને રાષ્ટ્રપતિપદ તેમ જ સ્પીકરનું પદ આપવાનું ચર્ચાઈ રહ્યું છે.
એજ પ્રમાણે નાયબ સ્પીકરપદ મૂથાહિડાક્વામી મુવમેન્ટ-પાકિસ્તાન (એમક્યૂએમ-પી)ને કે પછી સરકારમાં જોડાનાર કોઈ સ્વતંત્ર પક્ષને આપવાનું વિચારાઈ રહ્યું છે.
પાકિસ્તાન તહેરિકે ઈન્સાફ (પીટીઆઈ)ને બાદ કરતા અન્ય કોઈપણ પક્ષ આ મોરચા સરકારમાં જોડાઈ શકશે, એમ નવાઝ શરીફે કહ્યું હતું.
બેઠકની સંખ્યાને ધ્યાનમાં રાખતા પીએમએલ-એન ને પીપીપી કેન્દ્રમાં સરકાર રચવાની સ્થિતિમાં છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button