નવાઝ શરીફ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર
ઇસ્લામાબાદ: અહીંની વડી અદાલતે અલ-અઝીઝીઆ સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મંગળવારે નિર્દોષ જાહેર કર્યા હતા.
અદાલતના આ ચુકાદાને લીધે પાકિસ્તાનમાંની આગામી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝનું નેતૃત્વ કરવા માટેનો નવાઝ શરીફનો માર્ગ મોકળો થયો હતો. અગાઉ, ૭૩ વર્ષીય નવાઝ શરીફને ૨૦૧૮ના ડિસેમ્બરમાં ભ્રષ્ટાચારવિરોધી અદાલતે સાત વર્ષની જેલ અને મોટી રકમનો દંડ કર્યો હતો.
નવાઝ શરીફ પોતાના પિતા દ્વારા ૨૦૦૧માં સઉદી અરેબિયામાં શરૂ કરાયેલી આ સ્ટીલ મિલની સાથે પોતાનો કોઇ સંબંધ નહિ હોવાનું સાબિત કરવામાં અગાઉ નિષ્ફળ ગયા હતા. આ ઉપરાંત, નવાઝ શરીફને ૨૦૧૮ના જુલાઇમાં એવનફિલ્ડ કેસમાં
દસ વર્ષની જેલ થઇ હતી, પરંતુ બાદમાં તેમને અદાલતે નિર્દોષ છોડ્યા હતા. આમ છતાં, નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરોએ અદાલતના આ ચુકાદાને ઇસ્લામાબાદની વડી અદાલતમાં પડકાર્યો હતો.
નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરોએ આ કેસને ફરી ચલાવવા તે ખટલો ચલાવતી અદાલતને સોંપવાની વિનંતિ કરી હતી, પરંતુ વડી અદાલતે તેને નકારી હતી. (એજન્સી)