નવસારીના યુવાનની અમેરિકામાં હત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમેરિકામાં નવસારીના સોનવાડીના સત્યેન નાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મોટેલમાં રોકાયેલા અમેરિકને કરી હતી તેમજ હત્યા કર્યા બાદ તેણે પણ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો.
અમેરિકામાં તાજેતરમાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અમલદારના પરિવારની તેમના જ દૌહિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેના પછી હવે વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા થઈ છે. નવસારીના સોનવાડીના યુવાન સત્યેન નાયકની નોર્થ કેરોલિનાના ન્યુ પોર્ટમાં આવેલી મોટેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સત્યેન નાયક અમેરિકામાં મોટેલિયર તરીકે કામ કરતા હતા. તેમની પોતાની મોટેલમાં તેઓ એક રૂમમાં જઈ રહ્યા હતા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ
જણાયો હતો. આ મોટેલમાં એક અમેરિકન નાગરિક રોકાયો હતો. તેણે અંદરથી દરવાજો ખોલ્યો નહોતો. જેથી સત્યેન નાયકે પોતાની એક્સ્ટ્રા ચાવી વડે રૂમનો દરવાજો ખોલ્યો હતો. સત્યેને રૂમનો દરવાજો ખોલતા જ અમેરિકન નાગરિકે સીધું સત્યેન પર ફાયરિંગ કર્યું હતું તેમાં સત્યેનનું મોત નિપજ્યું હતું. જો કે સત્યેનની હત્યા કર્યા બાદ અમેરિકને પોતાના લમણે બંદૂક તાકીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.
આ હત્યા શા માટે કરવામાં આવી, તેની પાછળનું શું કારણ હતું, હત્યા કર્યા બાદ હત્યારો અમેરિકન ભાગી ન જતા પોતે ગોળી મારીને શા માટે આપઘાત કરી લીધો. આવા અનેક સવાલોના જવાબો હજુ સામે આવવાના બાકી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ જાણકારી સ્થાનિક તંત્ર કે પોલીસ તરફથી આપવામાં આવી નથી.