નવોદય વિદ્યાલયોમાં 6300 થી વધુ જગ્યાઓ ખાલી: 17,510 મહેકમમાંથી 5,000 થી વધુ શિક્ષકોની અછત

નવી દિલ્હીઃ દેશની પ્રતિષ્ઠિત નવોદય વિદ્યાલય સમિતિમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ ખાલી હોવાની વિગતો સામે આવી હતી. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિ મુજબ નવોદય વિદ્યાલયોમાં શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા કુલ 17,510 મંજૂર પદોમાંથી 5,083 જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે, બિન-શૈક્ષણિક ક્ષેત્રે પણ 9,324 મંજૂર પદો સામે 1,221 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે.
સરકારે જણાવ્યું હતું કે, નવા નવોદય વિદ્યાલયો શરૂ થવા, નિવૃત્તિ, રાજીનામા, કર્મચારીઓની બઢતી અને બદલી જેવા કારણોસર જગ્યાઓ ખાલી પડતી હોય છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે, જ્યાં સુધી નિયમિત નિમણૂકો ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે કામચલાઉ ધોરણે અને કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે જેથી શૈક્ષણિક કાર્ય અવરત ચાલુ રહી શકે.
આપણ વાચો: વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોટી રાહત: 190 કાયમી જગ્યાઓની ભરતીને મંજૂરી
અનામત માપદંડો અંગે માહિતી આપતા પ્રધાને જણાવ્યું હતું કે, નવોદય વિદ્યાલય સમિતિ સીધી ભરતીની પ્રક્રિયા દરમિયાન ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા અનામતના ધોરણોનું ચુસ્તપણે પાલન કરે છે. આમાં EWS, OBC, SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે નિયત કરાયેલ અનામતનો સમાવેશ ભરતીના નિયમોમાં કરવામાં આવ્યો છે.
વર્ષ વાર ભરતીની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં શૈક્ષણિક જગ્યાઓ પર 71 જગ્યાઓ, વર્ષ 2015માં 192 જગ્યાઓ, વર્ષ 2016માં 7 જગ્યાઓ, વર્ષ 2016માં 625 જગ્યાઓ, વર્ષ 2017માં 233 જગ્યાઓ, વર્ષ 2018માં 452 જગ્યાઓ, વર્ષ 2019માં 162 જગ્યાઓ, વર્ષ 2020માં 356 જગ્યાઓ, વર્ષ 2021માં 313 જગ્યાઓ, વર્ષ 2022માં 336 જગ્યાઓ, વર્ષ 2023માં 1,422 જગ્યાઓ, 2024માં 340 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025માં એકપણ પદ પર ભરતી કરવામાં આવી નથી.



