નેશનલ

નવજોત સિંહ સિદ્ધુ પક્ષ પલટો કરશે? સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળો વહેતી થઇ…

ચંદીગઢ: પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુ સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ (Navjot Singh Sidhu) રહે છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો છે. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું કે આવતીકાલે (30 એપ્રિલ) તેઓ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે પત્રકારોને તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ પણ આપ્યું. આ સાથે જ વિવિધ પ્રકારની અટકળો શરુ થઇ ગઈ છે.

આજે સાંજે નવજોત સિંહ સિદ્ધુએ X પર લખ્યું, “મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે, હું એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું. આ પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે, 30 એપ્રિલે સવારે 11 વાગ્યે મારા અમૃતસરના નિવાસસ્થાન 110 હોલી સિટી ખાતે યોજાશે. બધા પત્રકારોને આમંત્રણ છે.”

આવી અટકળો વહેતી થઇ:
સોશિયલ મીડિયા પર એવી અટકળો શરુ થઈ ગઈ છે કે તેઓ પક્ષ પલટો કરી શકે છે. કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે શું તમે ફરીથી ભાજપમાં જોડવાના છો? સાથે કેટલાક લોકો કોઈ ખુલાસા વગર તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. તો કોઈ ક્રિકેટના સંદર્ભમાં પણ અટકળો લગાવી રહ્યા છે એક યુઝરે પૂછ્યું કે શું તે IPL ટીમમાં કોચિંગ સ્ટાફ તરીકે જોડાશે?

ફરી રાજકારણમાં સક્રિય થશે?
નોંધનીય છે કે સિદ્ધુ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય નથી, તેઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટરી કરતા જોવા મળે છે. તેઓ કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ગયા વર્ષે નવેમ્બરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડે લેવાનો છે.

નવજોત સિદ્ધુએ વર્ષ 2016 માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, તેઓ વર્ષ 2017 માં કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા બાદ, તેઓ કોંગ્રેસ સરકારમાં પ્રધાન પણ બન્યા. તેમણે 2019 માં પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદથી તેઓ રાજકારણમાં ઓછા સક્રિય રહ્યા છે.

આપણ વાંચો : શું હળદર, લીમડા, લીંબુ પાણીથી કેન્સર હરાવી શકાય? જાણો ડૉક્ટરોએ શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button