લોકસભા ચૂંટણી પહેલા નવજોત સિદ્ધુની ક્રિકેટમાં વાપસી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા પંજાબની રાજનીતિ સાથે સંકળાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમેન્ટ્રી અને લાંબા સમય સુધી ટી.વી. શોથી દૂર રહેલા ક્રિકેટર કમ રાજનેતા નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર ક્રિકેટ કોમેન્ટ્રીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ IPL કોમેન્ટ્રીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેમણે થોડા દિવસો પહેલા જ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.
એક જાણીતી સ્પોર્ટ્સ ચેનલે એક્સ પર માહિતી આપી હતી કે મહાન નવજોત સિંહ સિદ્ધુ તેમની સ્ટાર કાસ્ટમાં જોડાયા છે અને તેઓ કોમેન્ટ્રી આપતા જોવા મળશે. સિદ્ધુએ પણ આ પોસ્ટ ફરીથી પોસ્ટ કરી છે. IPL-2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની નાદુરસ્ત તબિયતને કારણે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. કોંગ્રેસ પટિયાલાથી નવજોત સિંહ સિદ્ધુને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી હતી, પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ કેન્સરથી પીડિત તેમની પત્નીની સારવાર અને તેમની ખરાબ તબિયતને કારણે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા કે સિદ્ધુનો પંજાબ કોંગ્રેસના નેતૃત્વ સાથે વિવાદ ચાલી રહ્યો છે. એવી પણ અફવા હતી કે તેઓ ફરીથી ભાજપમાં જોડાશે, પરંતુ સિદ્ધુએ આવી બધી બાબતોને માત્ર અફવા ગણાવી હતી.
પોતાના વન લાઇનર્સ માટે જાણીતા સિદ્ધુની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ પંજાબ સરકારમાં પ્રધાનપદે પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલા સિદ્ધુ 2004માં ભાજપમાં જોડાયા હતા અને અમૃતસરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2014 સુધી આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા. 2016માં ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા, પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી હતી અને 2017 માં કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસની ટિકિટ પર તેઓ અમૃતસર પૂર્વથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
રાજકીય કારકિર્દી શરૂ કરી તે પહેલા સિદ્ધુ ભારતીય ક્રિકેટમાં હતા. ભારત વતી તેઓ 51 ટેસ્ટ મેચ અને 136 ODI મેચ રમ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ કમેન્ટ્રેટર બન્યા હતા. તેઓ કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળ્યા હતા.