અમૃતસરઃ પૂર્વ કેબિનેટ પ્રધાન અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ.નવજોત કૌરે 7 મહિનાની લડાઈ બાદ કેન્સરને માત આપી છે. મેડમ સિદ્ધુ બીમાર હોવાને કારણે નવજોત સિદ્ધુ પણ રાજકારણ માટે સમય ફાળવી શકતા નહોતા. તેઓ પત્નીની સારવાર અને સંભાળમાં જ વ્યસ્ત હતા. ઘણા મહિનાઓ સુધી પીડિત રહ્યા બાદ કેન્સર મુક્ત હોવાનો ટેસ્ટ રિપોર્ટ મળતાં જ મેડમ સિદ્ધુ ભાવુક થઈ ગયા હતા.
ડૉ.નવજોત કૌરે પોતાની પોસ્ટ દ્વારા ઘણા સંદેશા આપ્યા છે. એક તરફ તેમણે કેન્સર ફ્રી હોવા પર ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ તેમણે ઇલેક્ટ્રિક સ્મશાનને દત્તક લેવાની વાત કરી છે. આ ઉપરાંત તેમણે કોરોનાના એ સમયને પણ યાદ કરાવ્યો છે, જ્યારે લોકો કોરોનાને કારણે મૃત્યુ બાદ પોતાના પ્રિયજનો પાસે પણ જઈ શકતા ન હતા. તેમની પોસ્ટમાં અંગદાનનો સંદેશો પણ આપવામાં આવ્યો છે. આ પહેલા નવજોત કૌરે પોતાના વાળ ડોનેટ કરતી એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. નોંધનીય છે કે પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્નીને ડાબા સ્તનમાં સ્ટેજ 2 કાર્સિનોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું
નવજોત સિંહ સિદ્ધુએ ઓગસ્ટ મહિનામાં પત્નીના સ્વાસ્થ્ય વિશેની અપડેટ શેર કરતી વખતે એક ઈમોશનલ ફોટો શેર કર્યો હતો. જેમાં સિદ્ધુ પોતાની પત્ની નવજોત કૌરને પોતાના હાથે ભોજન ખવડાવી રહ્યા હતા. ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું હતું કે ઘા રુઝાઈ ગયા છે, પરંતુ આ મુશ્કેલ અગ્નિપરીક્ષાના માનસિક ઘા હજુ પણ રહેશે. પછી તેણે કહ્યું કે નવજોત કૌર પાંચમા કીમોમાંથી પસાર થઈ રહી છે. આ પછી સિદ્ધુ પરિવાર સાથે મનાલી ગયો હતો. કેન્સરની સારવાર બાદ સિદ્ધુ દંપતીએ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. હવે કેન્સરને હરાવીને નવજોત કૌરે પોતે આ અંગેની માહિતી શેર કરી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ મેડમ સિદ્ધુને તેમની હિંમત નહીં હાર્યા વગર કેન્સર સામે ટક્કર ઝીલવાની ભાવના માટે અભિનંદન આપી રહ્યા છે. સિદ્ધુની સાથે નવજોતે પણ રાજકારણમાં હાથ અજમાવ્યો છે. તેઓ પંજાબના મંત્રી રહી ચૂક્યા છે.
મળતી માહિતી મુજબ હવે બહુ જ જલ્દી નવજોત સિંહ સિદ્ધુના ઘરે શરણાઇના સૂર રેલાવાના છે. નવજોત સિંહ સિદ્ધુના પુત્ર કરણ સિદ્ધુના લગ્ન 7 ડિસેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યા છે. લગભગ 4 મહિના પહેલા સિદ્ધુએ પોતાની પુત્રવધુની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે અને ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.