ટોપ ન્યૂઝનેશનલ

બુધવારે દેશના 25 કરોડ કર્મચારી જશે હડતાળ પર, જાણો શું છે મામલો?

નવી દિલ્હીઃ દેશમાં 25 કરોડથી વધારે કર્મચારીઓ 9 જુલાઈએ હડતાળ પર ઉતરશે. જેના કારણે બેંકિંગ, વીમાથી લઈને કોલસા ખાણકામ, હાઈવે અને કન્સ્ટ્રક્શન સહિત ઘણી સેવાને અસર થશે. 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમની સહયોગી એકમોના એક જૂથે સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ-સમર્થક નીતિઓનો વિરોધ કરવા આ હડતાળનું આહ્વાન કર્યું છે. શ્રમિક સંગઠનોના આ જૂથે દેશવ્યાપી સામાન્ય હડતાળને વ્યાપકપણે સફળ બનાવવાનું આહ્વાન કરતા જણાવ્યું કે ઔપચારિક અને અનૌપચારિક/અસંગઠિત અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં હડતાળ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, હડતાળમાં 25 કરોડથી વધુ કર્મચારીઓના ભાગ લેવાની અપેક્ષા છે. ખેડૂતો અને ગ્રામીણ કર્મચારીઓ પણ દેશભરમાં થનારી આ હડતાળનો હિસ્સો બનશે. હડતાળના કારણે બેંકિંગ, પોસ્ટ ઓફિસ, કોલસા ખાણકામ, ફેક્ટરીઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે. ગયા વર્ષે શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાને 17 માંગણીઓનો એક ચાર્ટ સોંપ્યો હતો.

આ પણ વાંચો: બચ્ચુ કડુનું ભૂખ હડતાળ આંદોલન સ્થગિત! મહાયુતિ સરકારે ત્રણ આશ્વાસન આપ્યા…

નિવેદનમાં જણાવાયું છે કે, અમે સરકારને બેરોજગારી પર ધ્યાન આપવા, મંજૂર કરાયેલી જગ્યાઓ પર ભરતી કરવા, વધુ નોકરીઓનું સર્જન કરવા, મનરેગાના શ્રમિકોના કાર્ય દિવસો અને મજૂરીમાં વધારો કરવા તેમજ શહેરી વિસ્તારો માટે પણ સમાન કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છીએ. પરંતુ સરકાર નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ELI (રોજગાર સંબંધિત પ્રોત્સાહન) યોજના લાગુ કરવામાં વ્યસ્ત છે. દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે અને બેરોજગારોની સંખ્યા 20 થી 25 વર્ષની વય જૂથના લોકોમાં સૌથી વધુ છે તેથી સરકારી વિભાગોમાં યુવાનોને નિયમિત નિયુક્તિઓ આપવાને બદલે નિવૃત્ત લોકોને જ કામ પર રાખવાની નીતિ દેશના વિકાસ માટે હાનિકારક હોવાનું પણ જણાવ્યું હતું.

NMDC લિમિટેડ અને અન્ય બિન-કોલસા ખનિજ, સ્ટીલ, રાજ્ય સરકારના વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શ્રમિક નેતાઓએ પણ હડતાળમાં જોડાવા માટે નોટિસ આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા અને કૃષિ શ્રમિક સંગઠનોના સંયુક્ત મોરચાએ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે અને ગ્રામીણ ભારતમાં મોટા પાયે બંધને સફળ બનાવવાનો નિર્ણય લીધો છે. શ્રમિક સંગઠનોએ આ પહેલા 26 નવેમ્બર, 2020, 28-29 માર્ચ, 2022 અને ગયા વર્ષે 16 ફેબ્રુઆરીએ પણ આ જ પ્રકારની દેશવ્યાપી હડતાળ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button