નેશનલ

સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ `મેરા યુવા ભારત’ લોન્ચ કરાશે: મોદી

મન કી બાત'માં વડા પ્રધાનેવોકલ ફોર લોકલ’નો પુનરુચ્ચાર કર્યો

નવી દિલ્હી: યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપવા માટે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના દિવસે રાષ્ટ્રવ્યાપી મેરા યુવા ભારત' પ્લેટફોર્મ શરૂ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી. વડા પ્રધાને મન કી બાત રેડિયો પ્રસારણમાં કહ્યું હતું કે,મેરા યુવા ભારત’ વેબસાઇટ પણ શરૂ થવા જઇ રહી છે અને યુવાનોએ MYBharat.Gov.In.. પર નોંધણી કરાવવી જોઇએ. MYBharat ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે. વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવા શક્તિને એકીકૃત કરવાનો આ અનોખો પ્રયાસ છે, તેમ વડા પ્રધાને જણાવ્યું હતું. તેમણે 31 ઓક્ટોબરે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, દર વર્ષની જેમ આ વખતે પણ તહેવારો દરમિયાન આપણી પ્રાથમિકતા વોકલ ફોર લોકલ' હોવી જોઇએ. વડા પ્રધાને જ્યાં પણ પર્યટન અથવા તીર્થયાત્રા પર જાઓ ત્યાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનો ખરીદવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, આજે ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ બની રહ્યું છે. ઘણી મોટી બ્રાન્ડસ અહીં તેમનાં ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહી છે. જો આપણે તે ઉત્પાદનોને અપનાવીએ તો મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે છે અને તે પણલોકલ ફોર વોકલ’ બની રહ્યું છે. મોદીએ લોકોને વ્યવહારો દરમિયાન યુપીઆઇ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવા વિનંતી કરી અને કહ્યું કે, સ્થાનિક ઉત્પાદનો ખરીદવાથી કારીગરો માટે આગામી દિવાળીના તહેવાર તેજોમય બની રહેશે.
વિવિધ મુદ્દાઓ પર બોલતા તેમણે કહ્યું કે, ગાંધી જયંતી પર ખાદી ઉત્પાદનોનું રેકોર્ડ વેચાણ થયું હતું. અહીં ક્નોટ પ્લેસ ખાતેના એક સ્ટોરે એક જ દિવસમાં 1.25 કરોડનું વેચાણ કર્યું હતું. જ્યારે ખાદી ઉત્પાદનોનું વેચાણ અગાઉ 30,000 કરોડને ભાગ્યે જ સ્પર્શી શકતું હતું. હવે તે વધીને 1.25 લાખ કરોડ થઇ ગયું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button