ચેન્નાઇઃ તમિલનાડુના રાજકારણમાં સીએમ એમ.કે સ્ટાલિનના પુત્ર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CMના પુત્ર, રાજ્યના રમતગમત મંત્રી અને DMK યુવા વિંગના સચિવ ‘ઉદયનિધિ સ્ટાલિન’ને તમિલનાડુના નવા નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઉધયનિધિ રાજભવન પહોંચીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઇ લીધા છે. આ સિવાય 6 મંત્રીઓએ પણ શપથ લીધા છે.
જો આપણે તમિલનાડુના રાજકારણ પર નજર કરીએ તો 29 મે 2009ના રોજ આવી જ એક ઘટના જોવા મળી હતી, જ્યારે વર્તમાન સીએમ એમકે સ્ટાલિનને તેમના પિતા સ્વર્ગસ્થ કરુણાનિધિ દ્વારા તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી. હવે સ્ટાલિને આ ‘પરંપરા’ને આગળ વધારતા તેમના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
હકીકતમાં જાન્યુઆરી મહિનાથી ઉધયનિધિના પ્રમોશનની અટકળો ચાલી રહી હતી, પરંતુ તે ઘણા કારણોસર સ્થગિત કરવામાં આવી હતી, જેમાંથી એક એ હતું કે ભાજપે તેમના ‘સનાતન ધર્મ’ નિવેદનોને લઈને તેમને નિશાન બનાવ્યા હતા, જેના કારણે I.N.D.I.A બ્લોક નેતાઓએ પણ તેમનાથી અંતર રાખવું પડ્યું હતું. લોકસભા ચૂંટણીને કારણે તેમનું પ્રમોશન ફરી એકવાર અટક્યું હતું. ત્યાર પછી કલ્લાકુરિચી દારૂની દુર્ઘટના બની હતી જેમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કારણે તેમનું પ્રમોશન લટકી ગયું હતું. જો કે, પક્ષના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉધયનિધિનું પ્રમોશન ઓગસ્ટમાં જ નિર્ધારિત હતું, પરંતુ સેંથિલ બાલાજી (જેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી) જામીન પર મુક્ત થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઉધયનિધિ 2021માં પહેલી વાર વિધાન સભ્ય બન્યા અને 19 મહિનાની અંદર તેમને રમતગમત મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. હકીકતમાં, છેલ્લા પાંચ વર્ષમાં ઉધયનિધિની આ ચોથી રાજકીય પ્રમોશન છે.
ઉધયનિધિએ 2021 અને 2024ના ચૂંટણી પ્રચારમાં પોતાને સાબિત કરી દીધા છે. તેમના ચૂંટણી ભાષણો વાતચીતની શૈલીમાં છે, જે દર્શાવે છે કે તેઓ 2026ની વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા ભજવશે.
ઉધયનિધિ સ્ટાલિનનો જન્મ એક મોટા રાજકીય પરિવારમાં થયો હતો. તેઓ તમિલનાડુના વર્તમાન મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન અને ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના સ્થાપક એમ. કરુણાનિધિના પૌત્ર છે. ઉધયનિધિએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ નિર્માતા અને અભિનેતા તરીકે કરી હતી. તેમણે તમિલ સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સફળ અભિનેતા અને નિર્માતા તરીકે ઓળખ મેળવી છે.
Taboola Feed