ચેન્નાઇની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર પર થયો ચાકુથી હુમલો, હેલ્થકેર પ્રોફેશનલ્સની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલ

ચેન્નાઇઃ અત્રેની એક હૉસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર પર છરી વડે થયેલા હુમલા બાદ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો છે. ચેન્નાઈના ગિન્ડીમાં સ્થિત કલાઈન્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (કેસીએસએસએચ)માં ઓન્કોલોજિસ્ટ (કેન્સર નિષ્ણાત) ને હોસ્પિટલમાં દાખલ દર્દીના પુત્ર દ્વારા છરો મારવાની ઘટના બની હતી, જેને કારણે ડોક્ટરને માથા, પેટ અને છાતીના ભાગે ઈજાઓ થઈ છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના બુધવારે બની હતી.
આરોપીનું નામ વિગ્નેશ છે, તે તેની માતાની સારવારથી નાખુશ હતો. તે સમયે ડૉક્ટર બાલાજી જગન્નાથ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગમાં ફરજ પર હતા.તેને લાગ્યું કે ડોક્ટર બાલાજી તેની માતાને ખોટી દવાઓ આપી રહ્યા છે. આથી વિગ્નેશ સિનિયર ડૉક્ટર બાલાજી સાથે વાત કરવા ગયો. વિજ્ઞેશે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને ડો.બાલાજીને માર મારવા લાગ્યો. ડૉક્ટરે મદદ માટે ચીસો પાડવા માંડતા લોકોએ બહારથી દરવાજો ખોલી ડોક્ટરને બચાવ્યા હતા. એ સમયે આરોપી ચુપચાપ હોસ્પિટલની બહાર જવા લાગ્યો હતો, થોડે દૂર ગયા બાદ તેને સિક્યુરિટીએ અટકાવ્યો હતો આ પછી લોકોએ આરોપીને માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે વિગ્નેશને લાગતું હતું કે તેની માતાની યોગ્ય સારવાર નથી થઇ રહી. તેને ખોટી દવા આપવામાં આવી રહી છે. હાલમાં ડૉક્ટર આઇસીયુમાં છે.
આ હુમલા બાદ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. ડૉક્ટરોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછતને દૂર કરવી જોઈએ જેથી તેમના પરનું દબાણ ઓછું થાય. ડોક્ટર્સ એસોસિએશને આ હુમલાની નિંદા કરી છે અને કામચલાઉ હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
મામલાની ગંભીરતાને જોતા આ મામલે સ્વાસ્થ્ય પ્રધાન અને તમિલનાડુના સીએમના નિવેદન પણ સામે આવ્યા છે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને તબીબી સહાયનું વચન આપ્યું છે, સાથે સાથે ખાતરી આપી છે કે આવો હુમલો ફરી નહીં થાય. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તેની માટે સરકાર પગલાં લેશે.
આ પણ વાંચો…..ટ્રમ્પ 2.0માં તુલસી ગબાર્ડ બન્યા નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર
આ બાબતે પ્રતિક્રિયા આપતા એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યના સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર 2024 સુધીમાં લગભગ 30% ડૉક્ટરોની પોસ્ટ્સ ખાલી છે અને આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે કારણ કે લગભગ 1000 ડોક્ટરો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે બહાર જવાના છે. દર્દીઓના અસંતોષનું કારણ એ છે કે રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની તીવ્ર અછત છે. સરકાર ડોકટરોની સંખ્યા વધારશે તો પરિસ્થિતિ સુધરશે.