RG Kar Hospital Case: કોણ છે રિમઝિમ સિંહા જેની એક પોસ્ટ પર અડધી રાતે મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી
કોલકાતાઃ આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટર યુવતીના રેપ અને મર્ડર બાદ સમગ્ર દેશમાં હલચલ મચી ગઇ છે. આ રેપ અને મર્ડર હત્યાકાંડમાં કોલકાતામાં મહિલાઓ 14 ઓગસ્ટની રાત્રે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેને ‘ધ નાઈટ ઈઝ અવર્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનો હેતુ એ બતાવવાનો હતો કે ભારતને 15 ઑગસ્ટે આઝાદી તો મળી ગઇ, પણ અહીંની મહિલાઓને હજુ પણ સાચી સ્વતંત્રતા મળી નથી. આ કાર્યક્રમનું આયોજન રિમઝિમ સિંહાએ કર્યું હતું. રિમઝિમ સિંહા સમાજશાસ્ત્રના સંશોધક અને પ્રેસિડેન્સી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. રિમઝિમ સિન્હા એ વ્યક્તિ છે જેના બોલાવવા પર પુરુષો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મૃત મહિલા ડૉક્ટર માટે ન્યાયની માગણી કરવા માંડ્યા હતા.
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યારે મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વિરોધની આગ દેશના સર્વત્ર ફેલાઈ ગઈ છે અને દરેક જગ્યાએ મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. કામના સ્થળે આવી ઘાતકી ઘટનાઓથી લોકો ચોંકી ઉઠ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે મહિલાઓ ક્યાં સુરક્ષિત છે?
રિમઝિમ સિન્હાએ કહ્યું હતું કે હું સામાન્ય લોકોના ભલા માટે રાજનીતિ કરું છું, મેં વિચાર્યું ન હતું કે સોશિયલ મીડિયા પરની મારી પોસ્ટ આ રીતે વાયરલ થશે. મને એમ કે થોડા ઘણા લોકો કોલકાતા આવશે અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. હું ખુશ છું કે મારો અવાજ લોકો સુધી પહોંચ્યો અને મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા. રિમઝિમે કહ્યું હતું કે, ‘જો અમે ન્યાયની માંગ કરવાનું બંધ કરી દઈએ તો આવી ઘટનાઓ વધતી જ જશે.’
રિમઝિમના બે મિત્રોએ ‘મી-ટૂ’માં ફરિયાદ નોંધાવી હતી. રિમઝિમ તેમના માટે પણ લડી હતી. રિમઝિમ સિંહા કોલકાતાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રની ભૂતપૂર્વ સંશોધક રહી ચૂકી છે.
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટરનો બળાત્કાર અને હત્યાથી રિમઝિમ પણ હચમચી ગઇ હતી. તેણે પોતાના વિચારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, જે આગની જેમ ફેલાઇ ગયા હતા અને લોકો અડધી રાતે આવી ઘટનાઓના વિરોધમાં જોડાયા હતા. કોલકાતામાં, રાત્રે 11.55 વાગ્યે ‘રિક્લેમ ધ નાઈટ’ અભિયાન હેઠળ વિરોધ શરૂ થયો હતો, જે નાના-મોટા શહેરોમાં ફેલાઇ ગયો હતો.
‘રિક્લેમ ધ નાઇટ’ નામ હેઠળ અભિયાનની શરૂઆત બ્રિટનમાં 1977માં શરૂ થઇ હતી. એક મહિલાની હત્યા બાદ અહીંના લીડ્ઝ ખાતે ‘રિક્લેમ ધ નાઇટ’ નામે મહિલા મુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે મહિલાઓને રાતના સમયે ઘરની બાહર ના નીકળવાની સલાહ આપી હતી. તેની સામે જ ‘રિક્લેમ ધ નાઇટ’ નામે વિરોધ પ્રદર્શનો થયા હતા.
આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટરની રાતના સમયે સામુહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક આરોપી સંજય રોયની પોલીસે ધરપકડ કરી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.