બાળકોને શાળાએ લઈ જતી વાનને ટ્રકે મારી ટક્કર, 23 વિદ્યાર્થીઓ ઘાયલ
પટનાઃ આજે દેશભરમાં શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે બિહારથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. બિહારમાં ટ્રક ડ્રાઇવરોનો આતંક ખતમ નથી થઇ રહ્યો. તેઓ બેફામ ટ્રક ચલાવીને રસ્તે ચાલતા લોકોને નિશાન બનાવે છે, અન્ય વાહનને ટક્કર મારે છે. હવે ફરી એક વાર આવો જ એક બનાવ નોંધાયો છે, જેમાં બેગુસરાઈમાં ગુરુવારે સવારે એક ટ્રકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. ટક્કર બાદ સ્કૂલ વાન ડિવાઈડર રેલિંગમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 23 બાળકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ બાળકોની હાલત નાજુક છે. તેમને સારવાર માટે ગ્લોકલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે વાન બાળકોને વિદ્યા એંગ્લો વૈદિક એકેડમી સ્કૂલમાં મૂકવા જઈ રહી હતી. આ ઘટનાને નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું કે હાઈવે પર વાન સાથે ટ્રક અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂલ વાન સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માતમાં 23 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હાલ ઘટના સ્થળે ભારે ભીડ જમા થઇ ગઇ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.
બિહારમા ંટ્રાન્સપોર્ટ વિભાગ અને પોલીસ કેટલી બેદરકાર છે એ આ અકસ્માત બાદ જોવા મળ્યું છે. આટલી નાની વાનમાં 23 બાળકો ભરેલા હતા. ટ્રક ચાલક વાનને ટક્કર મારીને ભાગી ગયો હતો. વાનની અંદર ઇજા સાથે એકબીજા પર પડેલા, દબાયેલા બાળકોની હાલત જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. ઘાયલ બાળકોની ઉંમર ચારથી 12 વર્ષની વચ્ચે છે.