NEETનું ફાઇનલ પરિણામ જાહેર : હવે ટોપર રહ્યા 17 જ્યારે ચાર લાખ વિદ્યાર્થીના બદલાયા રેન્ક
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે સુધારેલા પરિણામોને બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 4 જૂને જાહેર થયેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે, IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આથી બાબત અંદાજે 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્કસને અસર કરશે જેઓએ પહેલેથી જ સ્વીકૃત જવાબ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં ટોચના સ્કોર કરનારા વિદ્યાર્થીની સંખ્યા 61થી ઘટીને 17 થઈ ચૂકી છે.
NEET UG સંશોધિત પરિણામ કેવી રીતે જોવું:
સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NTAની ઓફિશિયલ વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાઓ.
સ્ટેપ 2: “NEET-UG સુધારેલ સ્કોર કાર્ડ” માટેની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ કરો.
સ્ટેપ 4: હવે સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ સુધારેલું સ્કોરકાર્ડ જુઓ.
સ્ટેપ 5: ભવિષ્યમાં સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને સાચવો.
નોંધનીય છે કે NEET UG સુધારેલ સ્કોરકાર્ડ 2024 ના જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન, ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.