અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિવેદનો કરીને હવે શરદ પવાર ઘેરાયા છે. ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા છે અને તેમના પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે શરદ પવાર જ્યારે યુપીએમાં મંત્રી હતા ત્યારે તેમણે કાવતરું ઘડીને અમિત શાહને ફસાવ્યા હતા અને હવે તે આવા નિવેદનો આપી રહ્યા છે. શરદ પવારે અમિત શાહની માફી માંગવી જોઈએ શરદ પવારે અમિત શાહ પર એમ કહીને ટોણો માર્યો હતો કે સુપ્રીમ કોર્ટે તેમને કાયદાનો દુરુપયોગ કરવા બદલ રાજ્યમાંથી બહાર કર્યા હતા અને આજે તેઓ દેશના ગૃહ પ્રધાન છે.
આ મુદ્દે ભાજપના સાંસદ પિયુષ ગોયલ સહિત ઘણા નેતાઓએ શરદ પવારને આડે હાથ લીધા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે અમિત શાહને કોર્ટમાંથી ક્લીન ચીટ મળી ગઈ છે. ભાજપના મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે શરદ પવારે વ્યક્તિગત હુમલા કરવાનું ટાળવું જોઈએ.
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે શરદ પવાર યુપીએ સરકારનો મહત્વનો ભાગ હતા. યુપીએ સરકારે અમિત શાહ વિરુધ્ધ ખોટા અને પાયાવિહોણા કેસ દાખલ કર્યા હતા, જેને બાદમાં સુપ્રીમ કોર્ટ ફગાવી દીધા હતા. યુપીએ સરકારને ખ્યાલ આવી ગયો હતો કે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ખ્યાતિ વધી રહી છે. યુપીએને એવો પણ ખ્યાલ આવી ગયો હતો કે તેઓ આગામી ગુજરાતી ચૂંટણી હારી જવાના છે. તેને જોતા તેમણે અમિત શાહ પર ખોટા આક્ષેપો કર્યા હતા. તેમનો ઇરાદો નરેન્દ્ર મોદીને પણ ફસાવવાનો હતો. શરદ પવાર તે સમયે કેબિનેટ મંત્રી હતા અને આ ષડયંત્રનો ભાગ હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારને ‘ભ્રષ્ટાચારના કિંગપિન’ ગણાવ્યા હતા. આ વિવાદાસ્પદ નિવેદન બાદ શરદ પવારે આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો શરદ પવારે જણાવ્યું હતું કે જેને તડીપાર કરવામાં આવ્યા હતા, તેઓ આજે દેશના ગૃહ પ્રધાન છે. આવા લોકોના હાથમાં આજે દેશની ધૂરા છે. દેશ ખોટા રસ્તે જઇ રહ્યો છે. આપણે એના પર ધ્યાન આપવું જોઇએ. તેમણે અમિત શાહને 2010ના સુપ્રીમ કોર્ટના આદેશની યાદ અપાવી હતી, જ્યારે તેમને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. હકીકતમાં 2010 માં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય અમિત શાહને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બે વર્ષ માટે તેમના ગૃહ રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, 2014માં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.