યાદ કિયા દિલ ને… મિલ્ક મેન તરીકે જાણીતા થયા પણ પોતે દૂધ ન હતા પીતા
26 નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે આજે દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર ડો.વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે. તેઓ દેશની સૌથી મોટી ડેરી પ્રોડક્ટ બ્રાન્ડ અમૂલના સ્થાપક હતા. અમૂલે દેશમાં દૂધની અછત તો દૂર કરી જ, પરંતુ તેના દ્વારા દેશમાં એટલું દૂધ ઉત્પાદન શરૂ થયું કે ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા અને દેશ દૂધ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો.
જે સમયે દેશને આઝાદી મળી તે સમયે અનાજની અછત હતી અને દૂધ ઉત્પાદનની સ્થિતિ પણ ખૂબ નબળી હતી. એવા સમયે જ્યારે ભારતમાં દૂધની અછત હતી, કુરિયનના નેતૃત્વ હેઠળ ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ શરૂ થયું અને ઈતિહાસ રચાઈ ગયો.
તેમણે ત્રિભુવનભાઈ પટેલ સાથે મળીને ખેડા જિલ્લા સહકારી મંડળીની શરૂઆત કરી. વર્ષ 1949 માં, તેમણે બે ગામોને તેના સભ્યો બનાવીને ગુજરાતમાં ડેરી સહકારી સંઘની સ્થાપના કરી. કુરિયન ભેંસના દૂધમાંથી પાવડર બનાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા. અગાઉ ગાયના દૂધમાંથી પાવડર બનાવવામાં આવતો હતો.
કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કેરળના કોઝિકોડમાં થયો હતો. તેમણે 1940માં ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને ચેન્નાઈના જી.આઈ. સી.એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. જમશેદપુરમાં TISCOમાં થોડો સમય કામ કર્યા પછી, કુરિયનને ડેરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ભારત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.
ઇમ્પીરીયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એનિમલ હસબન્ડ્રી એન્ડ ડેરી, બેંગ્લોરમાં વિશિષ્ટ તાલીમ મેળવ્યા પછી, કુરિયન યુનાઇટેડ સ્ટેટ્સ ગયા જ્યાં તેમણે 1948માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી ડેરી ઇજનેરી વિષય સાથે મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.
ભારત પરત ફર્યા પછી, કુરિયનને તેમના બોન્ડ પિરિયડની સેવા કરવા માટે, ગુજરાતના આણંદમાં સરકારી ક્રીમરીમાં કામ કરવાની તક મળી. ડો. કુરિયનનું 9 સપ્ટેમ્બર 2012ના રોજ ટૂંકી બીમારી બાદ તેમનું નિધન થયું. તેઓ રાષ્ટ્રીય અને આંતરારાષ્ટ્રીય સ્તરે ઘણા એવોર્ડ મેળવી ચૂક્યા છે. ગુજરાતના ગામડાની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવામાં તેમનો ફાળો ખૂબ મહત્વનો છે.
ભારતના મિલ્કમેન બનેલા કુરિયનના અંગત જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે દેશમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવનાર અને ‘મિલ્કમેન ઑફ ઈન્ડિયા’ તરીકે પ્રખ્યાત કુરિયન દૂધ નહોતા પીતા અને આનું કારણ એ હતું કે તેમને દૂધ ભાવતું ન હતું. તેમને દૂધ ટેસ્ટી લાગતું ન હતું, તેમ એક મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું.
તેમના જન્મદિવસે તેમને પુષ્પાંજલિ…