સમયસર સારવાર ન મળતા બાળકીનું મોત, પરિવારનો આક્ષેપ ડોક્ટર ક્રિકેટ રમતા હતા
લખનઊઃ ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં બુધવારે સરકારી મેડિકલ કોલેજમાં કથિત સારવારના અભાવે તાવથી પીડિત પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું. મૃતક બાળકીના પરિવારનો આરોપ છે કે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ સારવાર કરવાના બદલે ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા. આ ઘટના બાદ મેડિકલ કૉલેજ મેનેજમેન્ટે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. અરુણ કુમારે જણાવ્યું હતું કે બદાઉન જિલ્લાના થાલિયા નાગલાના રહેવાસી નાઝિમની પાંચ વર્ષની દીકરી સોફિયા તાવથી પીડાતી હતી. તેઓ બુધવારે બપોરે તેમની પુત્રી સોફિયાને મેડિકલ કૉલેજ લઈ આવ્યા હતા.
ડૉ. અરુણ કુમારના જણાવ્યા મુજબ નાઝિમે આરોપ લગાવ્યો હતો કે મેડિકલ કોલેજમાં બાળરોગ નિષ્ણાત હાજર ન હતા. બાદમાં આરોગ્ય કર્મચારીઓએ બાળકીને સારવાર માટે અલગ-અલગ રૂમમાં મોકલી હતી. ત્યાં પણ કોઈ ડોક્ટર કે સ્ટાફ હાજર નહોતો. આ દરમિયાન સારવારના અભાવે બાળકીનું મોત થયું હતું. નાઝિમે દાવો કર્યો હતો કે જ્યારે તે મેડિકલ કોલેજની બહાર આવ્યો ત્યારે તેણે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને ક્રિકેટ રમતા જોયા હતા.
આ પણ વાંચો….લોકપ્રિય બનેલા સીજેઆઇ DY Chandrachud નિવૃતિ પછી શું કરશે ?
નાઝિમે એમ પણ જણાવ્યું હતું કે ઘણી આજીજી કરવા છતાં કોઈ ડોક્ટર કે હેલ્થ વર્કરે બાળકીની સારવાર કરવા તૈયારી નહોતી દેખાડી અને લગભગ ત્રણ કલાક સુધી રઝળપાટ કર્યા બાદ સોફિયાનું તેની માતાના ખોળામાં જ મોત થઈ ગયું હતું.
ડૉ. અરૂણ કુમારે કહ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ મામલાની તપાસ માટે ત્રણ ડૉક્ટરોની સમિતિ બનાવવામાં આવી છે. તેમના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સારવાર આપવાને બદલે ક્રિકેટ મેચ રમી રહ્યા હોવાના આક્ષેપ પર તેમણે કહ્યું હતું કે બહારના દર્દીઓના વિભાગના ડોકટરો મેચ નહોતા રમી રહ્યા. કદાચ જે ડોક્ટરોએ રજા લીધી હતી તેઓ ક્રિકેટ રમતા હશે. જોકે, તપાસમાં હકીકત બહાર આવશે અને તે અનુસાર પગલા લેવામાં આવશે.