
કોલકાતાઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાના કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમને તેમની મૃત દીકરીનું મોઢું સુદ્ધા જોવા માટે દયાની ભીખ માગવી પડી હતી. પોલીસે આ મામલો દબાવી દેવા માટે ઉતાવળમાં લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમને શાંત રાખવા માટે પોલીસે તેમને લાંચની પણ ઓફર કરી હતી. મૃતકના અન્ય એક સંબંધીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસે તેમને એક કોરા કાગળ પર સહી કરવાનું કહ્યું હતું, જેની તેમણે ના પાડી હતી અને કાગળ ફાડીને ફેંકી દીધો હતો. કોલકાતાના આરજી કર હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા થયાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર ખુલાસો થયો નથી.
મૃતક ડૉક્ટરના પિતાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ શરૂઆતથી જ કેસને બંધ કરવાનો પ્રયાસ કરી રહી હતી, એટલા માટે અમને પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહને જોવા દેવામાં આવ્યો ન હતો. જ્યારે મૃતદેહ અમને સોંપવામાં આવ્યો ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને પૈસાની ઓફર કરી હતી, જેને તેમણે તરત જ ના પાડી દીધી હતી. મૃતકના સંબંધીએ એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે તેમની જવાબદારી નિભાવી જ નથી. એટલું જ નહીં જ્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર નહોતા થયા, ત્યાં સુધી 300થી 400 પોલીસ કર્મચારીઓ સ્થળ પર મોજૂદ રહેતા હતા અને જ્યારથી અંતિમ સંસ્કાર પતી ગયા ત્યારથી એક પોલીસ પણ ફરકી નથી.
આ મામલે ભારતીય જનતા પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે, પાર્ટીના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ કહ્યું છે કે મમતા બેનરજીની પ્રાથમિકતા મૃતક ટ્રેઇની ડૉક્ટરને બચાવવાની નહીં, પરંતુ પુરાવાનો નાશ કરવાની હતી.
નોંધનીય છે કે 9 ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે મુખ્ય આરોપી સંજય રોયની ઘટનાના એક દિવસ પછી ધરપકડ કરી હતી, કારણ કે CCTV કેમેરા ફૂટેજમાં તે ગુનાના અંદાજિત સમયની આસપાસ બિલ્ડિંગમાં પ્રવેશતો દેખાતો હતો અને તેના બ્લૂટૂથ હેડફોન ગુનાના સ્થળની નજીક મળી આવ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રેઇની ડૉક્ટરનું જાતિય શોષણ અને ગંભીર રીતે ઈજા પહોંચાડ્યા પછી, આરોપી સંજય રોયે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઘટનાના એક સપ્તાહ બાદ કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યાના દિવસો પછી દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં ડોક્ટર સહિતના લોકોએ પીડિતાને ન્યાય આપવાની માંગ કરી હતી.
દરમિયાન, પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલોમાં જુનિયર ડોકટરો દ્વારા વિરોધ હજુ પણ ચાલુ રહ્યો છે, જેના કારણે મોટાભાગની હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે.