‘મુંબઈ સમાચાર’નું રાષ્ટ્રીય સન્માન: હોરમસજી કામાને પદ્મભૂષણ એનાયત
નવી દિલ્હી: બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મભૂષણ એનાયત કરીને એશિયાના સૌથી જૂના દૈનિક અખબાર ‘મુંબઈ સમાચાર’નું રાષ્ટ્રીય સ્તરે સન્માન કર્યું હતું.
રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં રાષ્ટ્રપતિએ ગુરુવારે પદ્મ અવૉર્ડ એનાયત કર્યો હતો.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ દિવંગત એમ. ફાતિમા બીવી, ભાજપના નેતા ઓ. રાજાગોપાલ, લદાખના આધ્યાત્મિક નેતા તોગડાન રિન્પોચે અને તમિળ અભિનેતા દિવંગત ‘કૅપ્ટન’ વિજયકાંત (બંનેને મરણોત્તર) પદ્મભૂષણ, ૯૦ વર્ષના બાલિ અને ચિરંજીવીને પદ્મવિભૂષણ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાતી સમાચારપત્ર ‘જન્મભૂમિ’ના સીઈઓ અને ગ્રૂપ એડિટર-પત્રકાર કુંદન વ્યાસને પણ પદ્મભૂષણ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ફાતિમા બીવી, રિમ્પોચે અને વિજયકાંતના પરિવારજનોએ અવૉર્ડ સ્વીકાર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ સહિતના મહાનુભવોએ આ સમારંભમાં હાજરી આપી હતી.
દેશના સર્વોચ્ચ ગણાતા પદ્મ અવૉર્ડ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ અલગ અલગ ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. કલા, સમાજસેવા, જાહેરક્ષેત્ર, મેડિસિન, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સાયન્સ ઍન્ડ ઍન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ તેમ જ સિવિલ સર્વિસ સહિતને ક્ષેત્રે આપેલા અસાધારણ યોગદાન બદલ આ અવૉર્ડ આપવામાં આવે છે.
અસાધારણ અને વિશેષ સેવા બદલ પદ્મવિભૂષણ, ઉચ્ચ સ્તરે વિશેષ સેવા બદલ પદ્મભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવે છે.
દર વરસે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આ અવૉર્ડની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ માટે રાષ્ટ્રપતિએ ૧૩૨ પદ્મ અવૉર્ડને મંજૂરી આપી હતી જેમાં પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રીનો સમાવેશ થાય છે.
આ અવૉર્ડ મેળવનારાઓમાં ૩૦ મહિલા અને આઠ વિદેશી/એનઆરઆઈ/ પીઆઈઓ/ઓસીઆઈ અને નવ મરણોત્તર અવૉર્ડનો પણ સમાવેશ થાય છે. આમાંથી અડધા કરતાં પણ વધુ અવૉર્ડ વિજેતાઓને બાવીસ એપ્રિલે આપી દેવામાં આવ્યા હતા તો બાકીનાઓને ગુરુવારે અવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.