મળવા આવ્યા, ચરણસ્પર્શ કરી ગોળી મારી… ઘરની બહાર દિવાળી મનાવતા કાકા-ભત્રીજાની કરી હત્યા

નવી દિલ્હીઃ દેશભરના લોકો જ્યારે દિવાળી પર્વની ઉજવણીમાં ડૂબેલા છે ત્યારે દિલ્હીના એક પરિવાર માટે દિવાળીની ઉજવણી માતમમાં પરિણમી હતી. દિલ્હીના શાહદરા ખાતે એક પરિવાર તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બે સશસ્ત્ર માણસો આવ્યા અને 40 વર્ષીય વ્યક્તિ અને તેના 16 વર્ષના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે વ્યક્તિનો 10 વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.
શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં રહેતા આકાશ શર્મા, તેમનો ભત્રીજો ઋષભ શર્મા અને પુત્ર ક્રિશ શર્મા ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્માનું મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશ શર્મા ગોળીથી ઘાયલ થયો હતો. ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આકાશ અને ઋષભને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ક્રિશની સારવાર ચાલી રહી છે. પરિવાર અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ શખ્સો સ્કૂટર પર આવ્યા હતા અને આકાશના ચરણસ્પર્શ કરી તેને ગોળી મારી હતી.
આકાશની પત્નીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે તે હુમલાખોરોને ઓળખે છે અને તેમની વચ્ચે જમીનને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચો…..Diwali 2024 : દેશભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી, ફટાકડાના કારણે આગથી અનેક સ્થળોએ નુકસાન
મૃતક આકાશના ભાઈ અને ઋષભના પિતા યોગેશે જણાવ્યું હતું કે આરોપીઓએ આકાશ પાસેથી લોન લીધી હતી. જ્યારે આકાશે લોનના પૈસા પાછા માગ્યાત્યારે આરોપીઓનો ઇરાદો બદલાઇ ગયો હતો અને તેઓ આકાશને મારવાની ધમકી આપવા માંડ્યા હતા.
આ કેસમાં પોલીસે એક સગીરની અટકાયત કરી હતી. આ એ જ છોકરો છે જેણે આકાશના ચરણસ્પર્શ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે પાંચ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી પ્રાથમિક દ્દષ્ટિએ આ પરસ્પર દુશ્મનાવટનો મામલો લાગે છે. હાલમાં પીડિતોના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.