
નવી દિલ્હી/વલસાડઃ સંસદના ચોમાસું સત્રમાં ગુજરાતના વલસાડથી સાંસદ ધવલ પટેલે જુલાઈ 2025 સુધીમાં રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન હેઠળ ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? શું દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સમર્પિત સાંસ્કૃતિક કેન્દ્ર અથવા નકશા નિર્માણ કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના છે અને જો હા, તો તેની વિગતો શું છે? તથા વર્ષ 2023 થી અનુસૂચિત જનજાતિઓની સંસ્કૃતિના સંવર્ધન હેતુ યોજના હેઠળ કરવામાં આવેલી નાણાકીય ફાળવણીની વિગતો શું છે? તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, સંસ્કૃતિ મંત્રાલયે ગ્રામીણ સ્તરે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ, સંવર્ધન અને દસ્તાવેજીકરણ કરવા તથા ગ્રામીણ અર્થતંત્રને પુન: સુદૃઢ કરવાની સંભાવનાઓ શોધવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન (NMCM) ની સ્થાપના કરી છે.
NMCM હેઠળ જાળવવામાં આવેલ ‘મેરા ગામ મેરી ધરોહર’ (MGMD) પોર્ટલ પર ભારતીય ગામોની અનોખી પરંપરાઓ, શિલ્પો, પર્વો, મૌખિક ઇતિહાસો અને અન્ય મૂર્ત અને અમૂર્ત વિરાસત તત્વોને અભિલેખિત કરતા વિસ્તૃત સાંસ્કૃતિક નકશા નિર્માણ તૈયાર કરવામાં આવ્યું છે. MGMD પોર્ટલ પર ડેટાનું ગામ-વાર રખરખાવ કરવામાં આવે છે, સમુદાય-વાર નહીં. ગુજરાત રાજ્યમાં કુલ 19271 ગામો છે, જેમાંથી 5884 આદિવાસી ગામો છે. આમાંથી 4913 ગામોનો ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
જોકે, વલસાડ અને ડાંગ જિલ્લા પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર (WZCC) ના કાર્યક્ષેત્ર હેઠળ છે, જે આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુ નિયમિતપણે કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉલ્લેખનીય કાર્યક્રમોમાં ડાંગમાં આયોજિત ડાંગ દરબાર મહોત્સવ અને આણંદમાં આદિવાસી સમુદાયોને સમર્પિત 30મો આદિવાસી મહોત્સવ સામેલ છે. ડાંગ દરબાર મહોત્સવનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે અને રાઠવાના ઘેર નૃત્યને યુનેસ્કોની સાંસ્કૃતિક વિરાસત લિસ્ટમાં સામેલ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. WZCC દ્વારા મુખ્ય મહોત્સવોમાં રાઠવા, મેવાસી, ડાંગ અને સિદ્દી જેવા આદિવાસી સમુદાયોને પણ શામેલ કરવામાં આવે છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું, અનુસૂચિત જનજાતિઓની સંસ્કૃતિનું સંવર્ધન નામની કોઈ યોજના અસ્તિત્વમાં નથી. જોકે, રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન (NMCM) ને આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ, પરિરક્ષણ અને સંવર્ધન હેતુ ‘અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્ય યોજના’ (DAPST) હેઠળ નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. વર્ષ 2022-23 થી NMCM માટે DAPST હેઠળ વર્ષ-વાર ફાળવણી નીચે મુજબ છે:
નાણાકીય વર્ષ | ફાળવણી (કરોડ રૂપિયામાં) |
2022-23 | 2.61 |
2023-24 | 2.80 |
2024-25 | 2.80 |
2025-26 | 8.07 |