કૉંગ્રેસમાં નેપોટિઝમની ટીકા વચ્ચે પોતાના દમ પર આગળ વધી હતી નાથદ્વારાની ગિરિજા
પેટ્રોલપંપ એલોટમેન્ટમાં ગેરરીતિના આરોપોને કારણે પણ વિવાદમાં રહ્યા હતા

નવી દિલ્હીઃ કૉંગ્રેસમાં વંશવાદ એટલે કે નેપોટીઝમની ટીકા ભાજપ વારંવાર કરે છે. એ હકીકત પણ છે કે દરેક પક્ષમાં રાજકારણી પરિવારમાંથી આવતા નેતાઓની ભરમાર છે, પણ ઘણા એવા નેતાઓ છે તેમણે રાજકારણનું પહેલું પગથિયું પોતે જ ચડ્યું છે અને શિખર સુધી પહોંચ્યા છે. આમાંના એક ગિરિજા વ્યાસનું ગઈકાલે નિધન થયું. ગિરિજા વ્યાસ પોતાના નિવાસસ્થાને પૂજાવિધિના દીવાને લીધે આગ લાગતા દાઝી ગયા હતા અને તેમને વિશેષ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કવિયિત્રી પણ હતા ગિરિજા વ્યાસ
રાજસ્થાનના ઉદયપુરમાં 8મી જુલાઈ 1946ના રોજ તેમનો જન્મ થયો હતો ,પરંતુ તેમનો ઉછેર નાથદ્વારામાં થયો હતો. પિતા સ્વાતંત્ર્ય સેનાની અને માતા શિક્ષિકા હતા. ગિરિજાએ ઉદયપુર યુનવિર્સિટીમાંથી એમએ કર્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. તેઓ ફિલોસોફીના પ્રોફેસર રહ્યાં હતા અને તેમની હિન્દી, ઉર્દુ, અને અંગ્રેજીમાં કવિતાઓના 8 જેટલા પુસ્તકો પબ્લિશ થયા હતા. તેમના પુસ્તકોની વાત કરીએ તો અહેસાસ કે પર, સિપ, સમુંદર ઔર મોતી, અને નોસ્ટેલ્જિયાનો સમાવેશ થાય છે.

નાનેથી શરૂઆત કરી કેન્દ્રમાં મંત્રી બન્યા
માતા-પિતા કે પરિવારનું કોઈ રાજકારણમાં સક્રિય ન હોવા છતાં સ્વાતંત્ર્ય સેનાની પિતા અને શિક્ષિકા માતાએ રોપેલા ક્રાંતિકારી વિચારોના બિજને લીધે ગિરિજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો. એક મહિલા માટે કોઈના પણ સાથ વિના પુરુષપ્રધાન એવા રાજકારણના ક્ષેત્રમાં ઝંપલાવવું પણ હિંમત માગી લે તેવું કામ છે, જે ગિરિજાએ આજથી 50 વર્ષ પહેલા કર્યું.
શરૂઆત તેમણે જિલ્લા પ્રમુખથી કરી. તેઓ ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ઉદયપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તેઓ ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી ધારાસભ્ય અને ૧૯૮૬ થી ૧૯૯૦ સુધી રાજસ્થાનમાં પ્રવાસન રાજ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ૧૯૯૦ થી તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય હતા.
ગિરિજા વ્યાસે પહેલી વાર ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી લડી હતી અને કેન્દ્રમાં પ્રધાનપદ મેળવ્યું હતું. તે સમયે તેમને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૯૩માં તેઓ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા. ૧૯૯૬ અને ૧૯૯૯માં તેઓ ૧૧મી અને ૧૩મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે ૨૦૦૫ થી ૨૦૧૧ સુધી બે કાર્યકાળ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જોકે વ્યાસ વિવાદોથી પર રહી શક્યા ન હતા. વર્ષ 2000માં તેમના પર પેટ્રોલપંપ એલોટમેન્ટમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. રાજકારણીઓને ફેવર કરી પેટ્રોલ પંપ એલોટમેન્ટનો આક્ષેપ તેમના પર થોય હતો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને 2004માં તેમણે એલોટ કરેલા પેટ્રોલ પંપનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. 2018માં તેમમે છેલ્લીવાર ચૂંટણી લડી હતી. જોકે તેઓ સક્રિયપણે રાજકારણમાં ભાગ લેતા હતા.
તેમના નિધન બાદ કૉંગ્રેસ પક્ષે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: એક મંચ પર પીએમ મોદી અને થરુરનો વીડિયો વાઇરલ, વિપક્ષો હરકતમાં?