નવી દિલ્હી: દિલ્હીના વાતાવરણમાં પ્રતિદિન ઝેર ફેલાઇ રહ્યું છે. અસહ્ય વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીના હવામાનમાં સવાર-સાંજ ધુમ્મસની એક કાળા રંગની પરત જામી જાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આ સ્થિતિ માત્ર રાજધાનીમાં જ નથી. પંજાબથી પાકિસ્તાન અને બંગાળની ખાડી સુધી આ ખતરનાક ધુમ્મસની ચાદર દેખાય છે. આ ઉપરાંત મુંબઈનો AQI પણ અત્યંત ખરાબ હાલતમાં છે. અમેરિકન સ્પેસ રિસર્ચ એજન્સી (NASA)એ કેટલીક સેટેલાઇટ તસવીરો બતાવી છે જે દર્શાવે છે કે દિલ્હીની સાથે સાથે પાકિસ્તાનથી લઇને બંગાળની ખાડી સુધી ભયંકર પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયું છે.
નાસાના વર્લ્ડવ્યુ સેટેલાઇટના ડેટા પરથી જાણવા મળે છે કે ઉત્તર ભારતના ખેડૂતોમાં પરાળી બાળવાની ઘટનાઓને પગલે વાયુ પ્રદૂષણમાં તીવ્રતાથી વધારો થઇ રહ્યો છે. બુધવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા છ દિવસથી દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, બુધવારે સવારે 7 વાગ્યે પંજાબી બાગમાં AQI 460, બવાનામાં 462, આનંદ વિહારમાં 452 અને રોહિણીમાં 451 નોંધાયો હતો. 7 નવેમ્બરે રાત્રે 10 વાગ્યે આનંદ વિહારમાં AQI 999 પર પહોંચી ગયો હતો.
વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-4) લાગુ કરવામાં આવ્યો છે. રાજધાનીમાં ડીઝલ ટ્રકો અને તમામ વિસ્તારોમાં બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેજરીવાલ સરકારે 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરવાની પણ જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો ચગ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને તાત્કાલિક કેન્દ્ર સાથે ચર્ચા કરવા કહ્યું છે કે ખેતરોમાં પરાળી બાળવાની ઘટનાઓ કેવી રીતે અટકાવવી. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તે આને રાજકીય મુદ્દો ન બનાવે, ખરાબ એર ક્વોલિટી લોકોના સ્વાસ્થ્યની હત્યા કરી રહી છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
Taboola Feed