પીએમ મોદીએ કહ્યું કે હું ફક્ત આ ચાર જાતિમાં જ માનું છું…..

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા દેશની ચાર જાતિઓનું વર્ણન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છે. ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો. અને હું આ ચાર જ્ઞાતિઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું. હું માનું છું કે આ ચાર મૂળ જાતિઓ છે અને તેમના ઉત્થાનથી જ દેશની પ્રગતિ કરશે.
પીએમ મોદીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં સરકારની મુખ્ય યોજનાઓની સંપૂર્ણ પહોંચ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સંકલ્પ યાત્રાનો જે ઉદ્દેશ્ય એ છે કે જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેમના અનુભવો જાણવા અને જેઓને નથી મળ્યા તેમના સુધી આ યોજનાઓ પહોંચાડવી. અમે આ યોજના દરેક સુધી પહોંચાડવા માટે જ વાહનની વિયવસ્થા કરી હતી તે વાહનનું નામ ‘વિકાસ રથ’ રાખ્યું હતું, પરંતુ આ 15 દિવસમાં લોકોએ તેનું નામ બદલીને ‘મોદીનું ગેરેન્ટેડ વાહન’ રાખ્યું છે. અને મને એ જાણીને આનંદ થયો કે તમને મોદીમાં આટલો વિશ્વાસ છે. હું તમને ખાતરી પણ આપું છું કે તમને આપવામાં આવેલી તમામ ગેરંટી હું પૂરી કરીશ.
આ ઉપરાંત તોમણે જણાવ્યું હતું કે જે રીતે યુવાનો અને સમાજના દરેક વર્ગના લોકો વિકાસ ભારત યાત્રામાં જોડાઈ રહ્યા છે. તે પ્રેરણાદાયી છે. દરેક વ્યક્તિ પોતાના ગામની વાર્તા સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યો છે. અને હું દરરોજ મનો એપ પર આ પ્રવૃત્તિઓ જોઉં છું.
પીએમએ કહ્યું હતું કે પહેલા પ્રજા સરકારને ભગવાન માનતી હતી પરંતુ હવે સરકાર પ્રજાને ભગવાન માને છે અને તેના કારણે સરકારે પ્રજા સુધી તમામ સુવિધાઓ પહોંચાડવીએ સરકારની ફરજ છે. અમે શક્તિની ભાવનાથી નહીં, પરંતુ સેવાની ભાવના સાથે કામ કરીશું. આ ઉપરાંત મહિલા કિસાન ડ્રોન સેન્ટર પણ લોન્ચ કર્યું હતું. આ કેન્દ્ર મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન પ્રદાન કરશે જેથી તેઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ આજીવિકા માટે કરી શકાય. આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષમાં મહિલા સ્વ-સહાય જૂથોને 15,000 ડ્રોન પ્રદાન કરવામાં આવશે. આ માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ પહેલ દ્વારા કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન મળશે.