‘જનતાની ગેરંટી છે કે ભાજપ ચૂંટણી જીતશે, મધ્યપ્રદેશને નિરંતર વિકાસ જોઇએ’: પીએમ મોદી
નવી દિલ્હી: મિઝોરમ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. એ પછી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ બંને રાજ્યોમાં આગામી 7 નવેમ્બરે મતદાન યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે છત્તીસગઢમાં બે રેલીઓ કરશે. મતદાનના 3 દિવસ પહેલા છત્તીસગઢમાં ભાજપ નેતા રતન દુબેની હત્યા કરવામાં આવી. રતન દુબે નારાયણપુરના ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ હતા.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના મતદાનના 3 દિવસ પહેલા માઓવાદીઓએ તેમની હત્યા કરી હતી. શનિવારે કૌશલનગર જિલ્લામાં આ ઘટના બની હતી. દુબે જિલ્લા પંચાયતના સભ્ય હતા. સ્થાનિક પોલીસે આપેલી માહિતી અનુસાર રતન દુબે કૌશલનગર વિસ્તારમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની કુહાડીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનો દાવો છે કે મિઝોરમમાં કોંગ્રેસ સરકાર બનાવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મિઝોરમ વિધાનસભા ચૂંટણીને આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટેનું ‘ડ્રેસ રિહર્સલ’ ગણાવ્યું. થરૂરે કહ્યું કે મિઝોરમ ઉત્તર-પૂર્વનું પહેલું રાજ્ય હશે જ્યાં કોંગ્રેસ 2014 પછી સત્તામાં પરત ફરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે અંગ્રેજોને પાછા મોકલ્યા છે તો પછી છત્તીસગઢમાં કેન્દ્રીય એજન્સીઓના તાજેતરના દરોડાથી તેના કાર્યકરોનું મનોબળ નહિ તૂટે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી જીતશે. ખડગેએ ભાજપને ગરીબ વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી પણ ગણાવ્યા.
મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યાના એક દિવસ બાદ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના દુર્ગમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીના ફંડ માટે ગેરકાયદેસર રીતે નાણાંનો ઉપયોગ કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો છત્તીસગઢમાં ભાજપ સત્તામાં આવશે, તો તે ‘લવ જેહાદ’ અને ગાયોની તસ્કરી વિરુદ્ધ કાર્યવાહી કરશે. છત્તીસગઢના કવર્ધામાં એક રેલીને સંબોધિત કરતી વખતે સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસને દેશ, સમાજ અને લોકો માટે સમસ્યા ગણાવી હતી.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશમાં 2 ચૂંટણી રેલીઓ યોજાશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે સિવનીના લખનાદૌનમાં અને બપોરે 3:30 વાગ્યે ખંડવામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. રાજસ્થાનમાં પણ ચૂંટણીનો ધમધમાટ યથાવત છે. કોંગ્રેસે શનિવારે રાજસ્થાન ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી હતી અને 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસે રાષ્ટ્રીય લોકદળ (RLD) માટે ભરતપુર બેઠક છોડી દીધી છે. કોંગ્રેસ તરફથી અત્યાર સુધીમાં 200 બેઠકો માટે કુલ 178 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.