નારાયણ સરોવર છલકાતાં પરંપરાગત રીતે વધાવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના પશ્ર્ચિમ કાંઠે આવેલું પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ પાલર નીરથી છલકાઈ જતાં આ જાગીરના મહંત સોનલ લાલજી મહારાજ સહિતના અગ્રણીઓના હસ્તે પરંપરાગત રીતે વધાવાયું હતું અને મેઘલાડુથી ઉજવણી કરાઈ હતી.
પવિત્ર નારાયણ સરોવર ત્રણ વર્ષના સમયગાળા બાદ આખરે ઓગની જતાં ત્રિવિક્રમરાયજી મંદિર જાગીરના અધ્યક્ષ સોનલલાલજી મહારાજ, સરહદી સલામતી દળના કંપની કમાન્ડર નવનીત કુમાર, મરીનના ઝાલા, પટેલ તેમજ પોલીસ અધિકારીઓ સહિતના આગેવાનો દ્વારા સરોવરમાં આવેલા નવાં નીરને વાજતેગાજતે વધાવાયું હતું. તીર્થગોર અજિત મહારાજ, રોહન ત્રિવેદી, પ્રદીપભાઈ ત્રિવેદીએ શાત્રોક્ત વિધિ કરાવી હતી. ગ્રામજનોએ સ્વયંભૂ એક કલાક પોતાના વ્યાપાર-ધંધા બંધ રાખી મેઘોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. શ્રીમદ્ ભાગવતમ્માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે. પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.
હિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને ’પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને અહીં થોડા સમય માટે રહ્યા હતા તેથી પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.