ટોયેલટ એક તલાકકથાઃ અહીં સાસરામાં ટૉયલેટની જીદ લઈને બેઠો છે જમાઈ
નાલંદાઃ જિલ્લાના એક ગામમાં મારપીટની ઘટના બની છે ત્યારે આ ઘટના સામાન્ય નથી. આ મારપીટ પાછળનું કારણ તમને અભિનેતા અક્ષયકુમાર અને ભૂમિ પેંડણેકરની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમકથાની યાદ અપાવી દેશે. વાત એમ છે કે અહીંના તેલમાર નામના ગામમાં એક યુવતીના લગ્ન વિકી નામના છોકરા સાથે બે વર્ષ પહેલા થયા હતા.
આ લગ્ન સમયે યુવકનામધ્યાનમાં આવ્યું હતું કે યુવતીના ઘરે ટૉયલેટ નથી, આથી તેણે સસરાને ટૉયલેટ બનાવી લેવા કહ્યું હતું. જોકે આર્થિક રીતે નબળા સસરાએ બે વર્ષથી ટૉયલેટ ન બનાવતા જમાઈ નારાજ રહેતો હતો અને સાસરે આવતો ન હતો. જોકે હવે જમાઈએ પત્નીને છૂટાછેડા આપવાનો પ્રસ્તા મૂકી દેતા યુવતીના માતા-પિતા ગભરાયા હતા અને જેમણે લગ્ન કરાવ્યા તે સમાજના આગેવાન પાસે જઈ તેમણે વાત કરી.
આગેવાને જોકે છોકરીના વાત ન માની અને જમાઈની વાત સાચી હોવાનું કહ્યું ત્યારે છોકરીના પરિવારે નારજગી વ્યક્ત કરતા આગેવાને તેમની મારપીટ કરી અને તેમાં ઋષી નામના એક છોકરાને ઈજા થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. છોકરીની માતાએ આખી આપવીતી કહી અને કહ્યું કે અમારી પાસે ટૉયલેટ બનાવવા જેટલા પૈસા ન હોવાથી અમે બનાવ્યું નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પહેલી ટર્મમાં જ ટૉયલેટ બનાવવા માટે રૂ. 12,000નું અનુદાન આપવાની સ્કીમ બહાર પાડી હતી અને તે હેઠળ કરોડોની સંખ્યામાં ટૉયલેટ બન્યા હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે આ પરિવારે આ સ્કીમનો લાભ નથી લીધો કે તેમને ખબર નથી તે સ્થાનિક તંત્રએ જાણવાની જરૂર છે. ટૉયલેટ ઘરમાં હોવાની જમાઈની માગણી ખોટી નથી, પરંતુ આ માટે છોકરીની છૂટાછેડા આપવાનો નિર્ણય યોગ્ય ન કહી શકાય.