નેશનલ

કુલ્લુમાં રશિયન કપલની નગ્ન અવસ્થામાં લાશ મળી…

કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મણિકરણ નજીક એક તળાવમાંથી વિદેશી યુગલની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. મૃતકોના શરીર પર ઈજાના કેટલાક નિશાન પણ હતા. આ બંને રશિયન નાગરિક હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોલીસે કહ્યું હતું કે આ આત્મહત્યાનો મામલો લાગે છે પરંતુ હત્યાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ કપલમાં એકની ઉંમર 20 વર્ષની આસપાસ છે. જો કે બીજાની ઉંમર વિશે કોઇ માહિતી મળી નથી તેમજ બંનેમાંથી કોઇની ઓળખ પણ થઇ શકી નથી. યુવતીનો મૃતદેહ મણિકરણથી લગભગ બે કિલોમીટર દૂર પાર્વતી નદીના કિનારે આવેલા ગરમ પાણીના કુંડમાંથી મળી આવ્યો હતો, જ્યારે પુરુષનો મૃતદેહ કુંડની બહારથી મળી આવ્યો હતો. જેમાં યુવકના હાથ અને ગરદન પર ઈજાના નિશાન હતા, જ્યારે યુવતીના હાથ પર ઈજાના નિશાન હતા. જો કે તેમની ઇજાઓ જીવલેણ કહી શકાય તેવી નહોતી આથી મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સ્થળ પરથી એક બ્લેડ, એક મોબાઈલ ફોન, અન્ય વસ્તુઓ અને ચરસ મળી આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગે છે પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તમામ બાબતો સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કુલ્લુ પ્રાદેશિક હોસ્પિટલમાં મોકલ્યા હતા જ્યાંથી તેમને મેડિકલ કોલેજ, મંડી મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી. તોમજ પોલીસ પણ મૃતક વિશે માહિતી મેળવવા માટે હોટલ, હોમસ્ટે અને અન્ય રહેઠાણોની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button