Najma Heptulla એ આત્મકથામાં સોનિયા ગાંધીની કાર્યશૈલી પર કર્યો આ મોટો ખુલાસો

નવી દિલ્હી : રાજ્યસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ નજમા હેપતુલ્લાની આત્મકથા ‘ઈન પર્સ્યુટ ઑફ ડેમોક્રસી બિયોન્ડ પાર્ટી લાઈન્સ’માં કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સોનિયા ગાંધીના નેતૃત્વ વિશેના તેમના અનુભવો શેર કર્યા છે. જેમાં તેમણે સોનિયા ગાંધીની વ્યસ્તતા અંગે ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું છે કે વર્ષ 1999માં ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)ના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે તેમણે બર્લિનથી તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સારા સમાચાર આપવા માટે ફોન કર્યો હતો. ત્યારે તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો. તેમને એક કલાક સુધી ફોન પર રાહ જોવી પડી હતી. રાહ જોયા પછી તેમને એટલું જ કહેવામાં આવ્યું કે મેડમ વ્યસ્ત છે.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ખુશી વ્યક્ત કરી
તેમણે આ ઘટના અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે તેમણે સૌથી પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન કર્યો. જેમણે તરત જ ફોન રિસીવ કર્યો અને આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી. તેઓ ખુશ હતા કે એક ભારતીય મુસ્લિમ મહિલાને આ સન્માન મળ્યું છે.
આ પણ વાંચો : સોનિયા ગાંધીને વધારે વહાલું કોણ? રાહુલ કે પ્રિયંકા નહી?
સોનિયા ગાંધીની નેતૃત્વ શૈલી કોંગ્રેસની જૂની સંસ્કૃતિથી અલગ હતી
આ ઘટનાનો ઉલ્લેખ કરતા નજમા હેપતુલ્લાએ પુસ્તકમાં લખ્યું છે કે, “મારા જીવનની આ એક એવી ક્ષણ હતી જેણે મારા મનને હંમેશ માટે અસ્વીકારની લાગણીથી ભરી દીધી છે. કોંગ્રેસ છોડીને વર્ષ 2004માં ભાજપમાં સામેલ થયેલા હેપતુલ્લાએ કહ્યું કે સોનિયા ગાંધીની નેતૃત્વ શૈલી કોંગ્રેસની જૂની સંસ્કૃતિથી અલગ હતી. આ અંતરની અસર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચેના કોમ્યુનિકેશન પર થઈ હતી.
નજમા હેપતુલ્લા મોદી સરકારમાં લઘુમતી મંત્રી હતા
2014માં નજમા હેપતુલ્લાને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં લઘુમતી બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનું માનવું હતું કે સોનિયા ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું ત્યાં સુધીમાં પાર્ટીના પરંપરાગત મૂલ્યો અને સંવાદનું ઘટ્યો હતો. નજમા હેપતુલ્લાના જણાવ્યા અનુસાર, ઇન્દિરા ગાંધી હંમેશા સામાન્ય કાર્યકરો માટે સુલભ હતા. જ્યારે સોનિયા ગાંધીની નેતૃત્વ શૈલી તેનાથી વિપરીત હતી. હેપતુલ્લાનું માનવું છે કે સોનિયા ગાંધીની કાર્યશૈલીને કારણે પાર્ટીના સંગઠનને અસર થઈ હતી અને પાર્ટીના અનુભવી નેતાઓ નિરાશ થયા.