દિલ્હીમાં જિમ માલિકની હત્યા, સીસીટીવી વાઈરલ, ગેંગવોરની શક્યતા…
નવી દિલ્હીઃ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં આજે સવારે જોરદાર ગોળીબાર થયો હતો. જિમની બહાર જિમના માલિક નાદિર શાહની હત્યા કરવામાં આવી હતી. તિહાર જેલમાં કેદ ઉત્તર પૂર્વ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર હાશિમ બાબાએ આ ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી. પોલીસ ઘાયલ નાદિરને હોસ્પિટલ લઈ ગઈ, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘બેઇલ વાલે સીએમ’ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું…
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના નજીકના રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે નાદિર શાહની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાના નામે એક પોસ્ટ લખવામાં આવી છે, જેમાં લખ્યું છે કે અમે દિલ્હીમાં નાદિરની હત્યા કરી છે. જોકે સોશિયલ મીડિયા પોસ્ટની પુષ્ટિ થઇ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાદિરના પિતા અફઘાન મૂળના હતા જ્યારે તેની માતા ભારતીય મૂળની હતી. નાદિરનો જન્મ ભારતમાં જ થયો હતો. નાદિર ખૂબ નાનો હતો ત્યારે તેની માતા ડ્રગ્સના કેસમાં જેલમાં ગઈ હતી. નાદિરના પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. નાદિરને બોડી બિલ્ડીંગનો શોખ હતો અને તે ઓનલાઈન સટ્ટો રમતો હતો. ધીમે-ધીમે તેની પાસે પૈસા આવવા લાગ્યા, પછી તેણે વ્યાજ પર પણ પૈસા આપવાનું શરૂ કર્યું.
દુબઈમાં પોતાની હોટેલ અને દિલ્હીના પોશ વિસ્તાર જીકે-૧માં જીમ ખોલ્યું. સટ્ટાબાજીના કારણે તેની મિત્રતા ગુનેગારો અને પોલીસકર્મીઓ સાથે થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના વિવિધ યુનિટના ઘણા અધિકારીઓ તેના મિત્રો હતા. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે એક યુનિટના પોલીસકર્મીઓ તેના જિમમાં બેઠા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે ઘણા પોલીસ અધિકારીઓના પૈસા પણ વ્યાજ પર રોકતો હતો. તેની ગેરકાયદે કોલ સેન્ટરના માલિક સાથે મિત્રતા હોવાનું પણ કહેવાય છે. તાજેતરમાં તેની સામે અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ૪ કેસ નોંધાયા હતા.
તેણે પોલીસકર્મીઓ માટે જાસૂસી કરવાનું શરુ કર્યું હતું. તેની કેટલીક સ્થાનિક ગેંગ સાથે દુશ્મની હતી દિલ્હી પોલીસ સ્થાનિક ગેંગ તેમ જ દેશ બહાર બેઠેલા ગેંગસ્ટરોની ભૂમિકાની તપાસ કરી રહી છે.
હવે એવું કહેવાય રહ્યું છે કે આ હત્યા તિહાર જેલમાં બંધ હાશિમ બાબાએ કરાવી છે. પોલીસના સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે સ્થળ પર હાજર હતા. મુખ્ય શૂટરો ફરાર છે.